દારુની હાટડીઓ માટે પ્રખ્યાત કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બુટલેગરોમાં સ્થાનિક પોલીસનો ફફડાટ વ્યાપી ઉઠયો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર અભિષેક ધવન અને તેમની ટીમે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં દારૂની પ્રવૃત્તિ કરનારા અને અસમાજિક તત્વોને ઘૂંટણીયે પાડી દેવાની મુહિમ શરુ કરી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં પીએસઆઈ એસ.એમ.ઠાકોર દારૂની છુટક ડીલીવરી કરનારા બુટલેગરો પર વોચ ગોઠવીને બેઠા હતા તેવામાં તેમને મળેલી બાતમીના આધારે વિજય પાર્ક ચાર રસ્તા પાસેના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પાણીની બોટલો સાથે પસાર થતા લોડીંગ ટેમ્પો ચાલકને અટકાવીને તપાસ કરતા દારૂનો જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરીને ફરાર ત્રણ આરોપીની તપાસ હાથ ધરી છે.
મિનરલ વોટર બોટલની આડમાં વિદેશી દારુની ડીલીવરી કરનાર બુટલેગરની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરીને સંતાડેલ દારૂના જથ્થો કબજે કરીને કુલ રૂ.5 લાખ 4 હજારનો મુદ્દામાલ કબજે કરી લીધો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ.ઠાકોરને મળેલી બાતમીના આધારે વિજય પાર્ક ચાર રસ્તા પાસેથી પસાર થતા લોડીંગ ટેમ્પા ચાલકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
ઝડપાયેલા આરોપી વિક્રમ ઉર્ફે વીકી કલાલ, રમેશચંદ્ર મેવારાની કડકાઈથી પૂછપરછ કરતા હકીકત જાણવા મળી હતી કે, નરોડા ખાતે આવેલા મધુસુદન એસ્ટેટમાં ગોડાઉન નંબર એ-૨૩ અને કૃષ્ણનગરમાં આવેલા રંગસાગર ટેનામેન્ટમાં દુકાન નંબર-20માં દારુનો વધુ જથ્થો સંતાડીને રાખ્યો છે.
પોલીસે બંને સ્થળે દરોડા પાડતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ-968 બોટલો પોલીસે કબજે કરી છે. પીએસઆઈ એસ.એમ.ઠાકોરે આ મામલે વધુ તપાસ હાથ ધરીને માલ આપનાર દેવેન્દ્ર મેવાડા, માલ મંગાવનાર રવિ અને બાપુ તથા હર્ષદ ઉર્ફે ભાઉ વિરુદ્ધ ગુનો નોંધીને ત્રણેય આરોપીની ધરપકડ માટેના પ્રયાસો શરુ કરી દીધા છે.

