
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. જેમાં નીતિન પટેલે કહ્યું કે, રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે. નીતિન પટેલના આ નિવેદનથી હાલ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. કડીના ડરણ ગામમાં નીતિન પટેલે કહ્યું કે, હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે.
નીતિન પટેલે શું કહ્યું?
કડીના ડરણ ગામમાં નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, 'હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા, દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઇ ગયા છે એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે, ઉમિયા માતાજીના આશીર્વાદ છે.'
રાજકીય માહોલ ગરમાયો
ભાજપના જ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીના આ નિવેદનથી હાલ સમગ્ર પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. આ સિવાય ભાજપ સરકાર પર કરવામાં આવેલાં આ પ્રહારથી રાજકીય માહોલ ગરમાયો છે. આ સાથે જ લોકો આ ઈશારો કોના તરફ હતો એ વિશે પણ જુદા-જુદા અનુમાન લગાવી રહ્યા છે.
યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા
સમગ્ર મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'નીતિન પટેલ પીઢ નેતા પક્ષ કે કાર્યકરો પર આક્ષેપ ન કરે તેથી ક્યારેય કોઈ પક્ષના નેતા કે કાર્યકરો પર આક્ષેપ ન કરે. કારણ કે, તેઓ પક્ષને સારી રીતે જાણે છે. એમનો કહેવાનો જે અર્થ છે તે સ્પષ્ટ છે અને તે તેમના વાક્યોમાં પણ જણાઈ આવે છે, કે જે લોકો પક્ષના નામે અધિકારીઓ પાસે જઈને કામ કરાવે છે આવું તેઓએ સ્પષ્ટ કહ્યું છે. નીતિન ભાઈએ જે કટાક્ષ કર્યો છે કે, જે પક્ષના નામે અધિકારીઓને દબાવે છે તેમના માટે છે.'