
અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક કુખ્યાત આરોપીના ભાઈ પાસેથી હથિયારો અને મોટી માત્રામાં રોકડ રકમ મળી આવ્યા હતા. ભાજપના એક કાર્યકતાના હત્યારા એવા મોન્ટુ નામદારના ભાઈ પાસેથી હથિયારો અને રોકડ રકમ મળી આવ્યા હતા.
મોન્ટુ નામદારના ભાઈ ફોન્ટીસ ઉર્ફે ડેનીની અમદાવાદ SOGએ આ મામલે અટકાયત કરી છે. આ સાથે આરોપી પાસેથી બે વિદેશી એરગન, કારતૂસ અને 1.80 કરોડની રોકડ રકમ પણ મળી આવી હતી. એસઓજીની ટીમે રાયપુર હજીરાની પોળમાં દરોડા પાડ્યા હતા. ભાજપના કાર્યકતાની હત્યા કેસમાં મોન્ટુ નામદાર જેલવાસ ભોગવી રહ્યો છે.
મોન્ટુ નામદાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
ખાડિયામાં ભાજપના કાર્યકર્તાની ચકચારી હત્યા કેસના મુખ્ય આરોપી મોન્ટુ નામદારને રાજસ્થાનના નાથદ્વારા પાસેથી સાઇબર ક્રાઇમે ઝડપી પાડયો હતો. આરોપી પેરોલ જમ્પ મેળવીને ફરાર થયો હતો. પોલીસથી બચવા અવનવી ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યો હતો. ત્યારે સાઇબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસ દ્વારા રાજસ્થાનમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
તેમજ મોન્ટુ નામદારે વર્ષ 1992માં પવનની સગી બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. પરિવાર અને સમાજનો વિરોધ હોવા છતાં લગ્ન કર્યા હતી. પવન અને મોન્ટુના પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી દુશ્મનાવટ ચાલતા હોવાના લીધે અંગત અદાવત રાખીને મોન્ટુ નામદારે સાગરીતો સાથે મળીને તેની ઓફિસની બહાર હોકી, બેઝબોલના બેટ અને અન્ય છ લોકોએ હથિયારો વડે ભાજપના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીને ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ રાકેશની કરપીણ હત્યા કરાઈ હતી.