
અમદાવાદ - શહેરમાં સ્ટેન્ડઅપ કોમેડી પ્રેમીઓ માટે એક ખુશ ખબર છે. તારીખ ૨૫ માર્ચ ૨૦૨૫ના રોજ રાત્રે ૮ કલાકે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ ‘રંગત, ટી પોસ્ટ-દેશી કાફે’ નામની જગ્યાએ શહેરના જાણીતાં ટાફ ગૃપ દ્વારા ફેમિલી સ્ટેન્ડઅપ કોમેડી શો 'ફટાફટી'નું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, આ એક સંપૂર્ણ ફેમિલી-ફ્રેન્ડલી શો છે. જે ગાળાગાળી વગર સાફસુથરું હાસ્ય અને ગુજરાતી મીઠાશ સાથેની મજાક મસ્તી માણવા મળશે.
સમગ્ર કાર્યક્રમ જાણીતાં લેખક, દિગ્દર્શક અને અભિનેતા ધારેશ શુક્લ દ્વારા હોસ્ટ કરવામાં આવશે. જેમાં જાણીતાં હાસ્યલેખક/હાસ્ય કલાકાર અને સ્ટેન્ડ કોમેડી કરતાં જાણીતાં કલાકારો જેવા કે, યોગેશ જીવરાણી, કમલેશ દરજી, કવિ તાહા મન્સૂરી, સૂરજ બરાલીયા, શ્રુજલ દોશી અને ગુજરાતના જાણીતા લેખક, હાસ્યકલાકાર, અભિનેતા, દિગ્દર્શક વિનય દવે પોતાની કલા રજૂ કરશે.
ટાફ ગૃપએ એક નોન કોમર્શિયલ ગૃપ છે જેમાં જાણીતા ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ક્ષેત્રના લોકો જોડાયેલા છે અને સમયાંતરે ટાફ ગૃપ દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ થતી હોય છે. ટાફ ગૃપ દ્વારા ઘણી ફૂડ મીટ થયેલી છે. આ સિવાય કાંકરિયા અને અમદાવાદ શહેરના હેરિટેજ મૂલ્યોને ઉજાગર કરતી અલગ અલગ વોક થઈ છે. લોથલ, મોઢેરા જેવી હેરિટેજ સાઇટની પણ મુલાકાત અને એક દિવસીય પિકનિક જેવા કાર્યક્રમ થયેલા છે. આ સિવાય ગુજરાતી સિનેમાના પ્રીમિયર, ઇવેન્ટ સહિત સાહિત્યના ગીત ગઝલના પણ બે મોટા પ્રોગ્રામ મોજ રે અને મેઘા રે જેવા કાર્યક્રમ પણ યોજાયેલા છે. ટાફ ગૃપમાં રહેલા સભ્યો એક પરિવારની જેમ સમયાંતરે આવા કાર્યક્રમો દ્વારા મળતા રહે છે.
કોરોનાકાળમાં અમદાવાદના કળારસિક મિત્રો દ્વારા શરૂ થયેલા આ ગૃપમાં કળાના દરેક ક્ષેત્રની જાણીતી વ્યક્તિ જોડાયેલી છે. ખાણી-પીણી, ઉજાણીની સાથે વારસાના જતન કરવાની ખેવના સાથે બનેલુ આ ગૃપ ફૂડ-હેરિટેજ વૉક, મુશાયરા અને મૂવી સ્ક્રિનિંગ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિ:શૂલ્ક કરતું રહે છે. ગૃપના સભ્યો દ્વારા ચેરિટીની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગૃપના એડમીન તન્મય શેઠના જણાવ્યા મુજબ વડનગર ટુરનું આયોજન સભ્યો માટે વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. એ સિવાય આજસુધી 40 જેવી ઇવેન્ટ કરવામાં આવી છે તે પણ સભ્યો માટે વિનામૂલ્યે કરવામાં આવી છે. જેમાં ગૃપના જ અલગ અલગ સભ્યો જવાબદારી ઊઠાવીને સભ્યો માટે વિનામૂલ્યે વ્યવસ્થા કરતા હોય છે.