
જાણીતા લોક-સાહિત્યકાર દેવાયત ખવડની કારમાં તોડફોડ તેમજ લૂંટ કરવાના કેસમાં આરોપી ભગવતસિંહ ચૌહાણને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટથી રાહત મળી છે. કોર્ટે ભગવતસિંહની આગોતરા જામીન અરજી શરતોને આધારે સ્વીકારીને જામીન આપ્યા છે.
આરોપી ભગવતસિંહ ચૌહાણની પોલીસ ધરપકડ કરવાની જરૂર પડે તો ધરપકડ બાદ રૂપિયા 50 હજારના બોન્ડ પર જામીન આપવા ચાંગોદર પીઆઈને કોર્ટે નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે પુરાવાઓ સાથે ચેડાં ન કરવા સહિતના શરતોને આધારે આગોતરા જામીન અરજી મંજૂર કરાઈ છે.
ઘટના શું હતી?
દેવાયત ખવડે પોતાની સ્કોર્પિયો કારમાં તોડફોડ અને 5 લાખ રૂપિયાની રોકડની લૂંટની ફરિયાદ કરી હતી. જ્યારે બીજી બાજું ભગવંતસિંહ ચૌહાણ દ્વારા ડાયરાના આયોજન માટે 8 લાખ રૂપિયા લઈ હાજર ન રહેવા અને ફોન પર ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ હતી.