અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. એર ઇન્ડિયાના આ પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત થયાનો ન્યૂઝ એજન્સી AP એ દાવો કર્યો છે. મળતા સમાચારો મુજબ પ્લેનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે. આ ઉપરાંત બીજે મેડિકલ હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓના પણ મોત થયાના સમાચાર છે.
300થી 400 ફૂટ ઉછળ્યો કાટમાળ
વિમાનનો કાટમાળ 300થી 400 ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ 4 બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા, જેથી તેમના મોતનો આંક વધી શકે છે.
અમદાવાદમાં બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 241 લોકોના મોત નીપજ્યાના સમાચાર છે. જ્યારે એક વ્યક્તિ જીવિત હોવાની પુષ્ટિ થઈ છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી ઉપરાંત ઉદ્યોગ જગતના બે મોટા લીડર પણ આ વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા. જેમાં લુબી મોટર્સના ડિરેક્ટર સુભાષ અમીન ઉપરાંત કાર્ગો મોટર્સના પ્રમુખ નંદા સહિત તેમના અન્ય બે ફેમિલી મેમ્બર પણ સવાર હતા.