
એટીએમમાં ખરાબી હોવાનું જણાવી મદદના બહાને છેતરપિંડી કરનાર બે આરોપીઓની ઇસનપુર પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપીના દીકરાના લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી ૮૦ હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. જોકે ગુનામાં ધરપકડ થતા દીકરાના લગ્ન સમય પિતાને જેલમાં રહેવુ પડે તેવી નોબત સર્જાઈ છે.
અમદાવાદમાં ઇસનપુર પોલીસે નાગજીભાઈ રબારી અને શૈલેષભાઈ સલાટ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. જે બંને મહેસાણાના રહેવાસી છે, અને અમદાવાદમાં આવી છેતરપિંડીને અંજામ આપે છે. આરોપીઓ એટીએમ સેન્ટરમાં પોતાની કરામત બતાવી સિનિયર સિટીઝન ન ટાર્ગેટ કરતા અને મદદના બહાને એટીએમ કાર્ડ બદલી પીન નંબર જાણી અલગ અલગ એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. ગુનો નોંધાયાના દસ દિવસના સમયમાં પોલીસે 150થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી બંને આરોપીઓની ધરપકડ કરી છે. સાથે છેતરપિંડીમાં ગયેલા 80,000 રૂપિયા પણ કબજે કરવામાં આવ્યા છે. આરોપી પાસેથી અલગ અલગ બેંકના 23 જેટલા એટીએમ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે. જેથી અન્ય ભોગ બનનાર લોકોને પણ પોલીસે તપાસ શરૂ કરી.
નાગજી અને શૈલેષની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે નાગજી મુખ્ય આરોપી છે. અને વર્ષ 2014થી 2022 દરમિયાન એટીએમ કાર્ડ બદલી અલગ અલગ જગ્યાએ છેતરપિંડીને અંજામ આપ્યો છે. જેમાં અમદાવાદના શહેરકોટડા, મેઘાણીનગર, વસ્ત્રાપુર, સોલા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે. તો બીજી તરફ ગાંધીનગરના કલોલ સેક્ટર 21 અને મહેસાણાના બી ડિવિઝનમાં પણ ગુના નોંધાયા છે. જે બાદ તેની પાસા કરવામાં આવી હતી. મહત્વનું છે કે અગાઉ કંડકટરની નોકરી કરતા નાગજીને શારીરિક તકલીફ થતા તે ઝડપથી રૂપિયા કમાવવા ગુનાના રવાડે ચડ્યો હતો.
પરંતુ હવે 22 માર્ચ 2025 ના રોજ તેના દીકરાના લગ્ન હોવાથી રૂપિયાની જરૂર પડતા ફરી પાછો તે છેતરપિંડીના ગુના કર્યા હોવાની કબુલાત કરી રહ્યો છે. આરોપી એ તાજેતરમાં જ ત્રણ જગ્યાએ છેતરપિંડી કરી હોવાથી આરોપી વિરુદ્ધ સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ તેની પાસેથી મળેલા 23 ATM કાર્ડ કોના છે, અને તેમાં કેટલા લોકો ભોગ બન્યા છે,તે હકીકત તપાસ્યા બાદ આરોપી વિરુદ્ધ વધુ ગુના પણ દાખલ થઈ શકે છે. એટલે કે જે દીકરાને આ લગ્ન કરાવવા બાપ છેતરપિંડી અને ચોરી કરતો હતો તે જ દીકરાના લગ્ન સમયે આરોપી જેલમાં રહેવુ પડી શકે છે.