Rain In Ahmedabad: ગુજરાતમાં આગામી 6 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રાજ્યમાં આજે બુધવારે (25 જૂન) 100થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ શહેરમાં મેઘરાજા મંડાયા છે. આજે (25 જૂન) સાંજ બાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. બે થી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર્વના ઓઢવ, મણિનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ઠેરઠેર વરસાદી ભરાયા
ખોખરાથી સિટીએમ જતા રસ્તા પર પાણી ભરાયા છે. જ્યારે ગોરના કૂવાથી અમરાઈવાડી સુધીનો રસ્તો જળમગ્ન થયો છે. ભારે વરસાદના પગલે અનેક અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર ઠપ થઈ છે. અનેક જગ્યાએ રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. મણિનગરમાં એક કલાકમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ, ઓઢવમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો.
6 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે ગુરુવારે (26 જૂન) અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.