
Ahmedabad news: અમદાવાદ શહેરમાં નાની એવી રકમ માટે એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. વાહનોથી ધમધમતા એવા નવરંગપુરા રોડ પરથી મળી આવેલા એક મૃતદેહની તપાસમાં હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જોકે પોલીસે યુવકના હત્યારાની ધરપકડ કરી પૂછપરછ કરતા આ હત્યા પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કળશ રૅસીડેન્સી પાસે ઓટોરિક્ષાના ચાલકે એક યુવકને રિક્ષા વડે ટક્કર મારી અને બાદમાં યુ-ટર્ન મારી નીચે પડી ગયેલા યુવક પર રિક્ષા ફેરવી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના 19મી એપ્રિલના રોજ બની હતી. 20 એપ્રિલે પોલીસને એક વ્યક્તિની લાશ નવરંગપુરા ચાર રસ્તા પાસે આવેલા જૈન દેરાસરની સામે જાહેર રોડ પરથી મળી હતી. પોલીસે આજુબાજુના સીસીટીવી તપાસ કરતા આ ગુનાનો ભેદ ઉકેલાયો છે. રિક્ષાના નંબરના આધારે તપાસ કરતા તે રિક્ષાના માલિકની જાણ થઈ બાદમાં આ રિક્ષા સમીર નટ નામનો યુવક ચલાવતો હોવાની હકીકત સામે આવી હતી. જેથી પોલીસે સમીર નટની સિંધુભવન રોડ પરના ઔડાના મકાન ખાતેથી ધરપકડ કરી તપાસ કરતા તેણે હત્યાની કબૂલાત કરી લીધી હતી.
સમીર નામના આરોપીની પોલીસે કરેલી પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી રિક્ષા ચલાવતો હોય 19મી તારીખે રાત્રે 8:00 વાગે આસપાસ તે વાડજ સર્કલ ખાતે પહોંચ્યો હતો, ત્યારે બસ સ્ટેશનની બાજુમાં આવેલા મંદિર પાસેથી રિક્ષામાં મુસાફરને બેસાડ્યો હતો, રિક્ષામા પહેલાથી સવાર એક મુસાફરને લખુડી તલાવડી જવાનું હતું જ્યારે અન્ય મુસાફરને કાલુપુર ખાતે જવાનું હતું. આરોપી સમીર નટને નવરંગપુરા સુધી જ જવાનું હોય તેવું જણાવતા યુવકે નવરંગપુરા સુધી જવાની તૈયારી બતાવી હતી. જે બાદ સમીર નટે એક મુસાફરને લખુડી તલાવડી પાસે ઉતારી નવરંગપુરા પાસે પહોંચતા રિક્ષામાં સવાર અન્ય મુસાફરે બાથરૂમ જવાનું કહેતા બંને જણા બાથરૂમ કરવા માટે નજીકમાં ગયા હતા.તે સમયે રિક્ષામાં મુસાફરી કરીને આવેલા યુવકે રિક્ષાના ભાડાના પૈસા પોતાની પાસે નથી અને તે ભાડું ચૂકવી શકશે નહીં તેવું જણાવી જૈન દેરાસર તરફ ચાલતા નીકળી ગયો હતો.
જેથી આરોપીને ગુસ્સો આવી જતા પોતે રોંગ સાઈડમાં રિક્ષા ચલાવી પહેલા તે યુવકને ટક્કર મારી હતી અને તે નીચે પડી જતા રિક્ષા યુ-ટર્ન મારી ફરીવાર તેના ઉપર ચઢાવી દીધી હતી જેના કારણે તેનું મોત થયું હતું.આ હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ અચંબામાં પડી હતી, મૃતકે આરોપીને 30 રૂપિયા રિક્ષા ભાડું ન ચૂકવતા તેણે ગુસ્સામાં આવીને આ હત્યાને અંજામ આપ્યો હોવાની હકીકત સામે આવી છે. જોકે આ ઘટનામાં મોતને ભેટેલો મુસાફર કોણ છે તેની ઓળખ હજુ થઈ નથી, તેની ઓળખ માટે ટીમો તપાસમાં જોડાઈ છે, બીજી બાજુ આ આરોપીએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.