
અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવાને પોલીસકર્મીના કારણે ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. રામપુર પાસે આવેલ નર્મદા કેનાલ નજીક બાતમી આપનાર યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં રામપુર પાસે બે દિવસ પહેલા દીપક પરમાર નામના યુવાને ધોળકાના ત્રાસદ રોડ ઉપર ઘનશ્યામ મોદી નામનો બુટલેગર ઇંગલિશ દારૂનું વેચાણ કરે છે, તેની બાતમી સિંધી ગેટ પોલીસ ચોકીના પોલીસ કર્મી યોગરાજ સિંહને આપી હતી. ત્યારે પોલીસકર્મી યોગરાજસિંહે દીપક પરમારને કહ્યું હતું કે, તું કોઈને કહીશ નહિ હું ત્યાં પહોંચુ છું.
પરંતુ લાંબા સમય સુધી પોલીસ કર્મી ત્યાં ન પહોંચતા છેલ્લે દીપક પરમારે 100 નંબરમાં કંટ્રોલમાં જાણ કરી હતી ત્યારે 100 નંબરની વાન ત્યાં પહોંચી હતી તેની સાથે સાથે પોલીસ કર્મી યોગરાજ સિંહ પણ ત્યાં પહોંચ્યો હતો. ત્યારે પોલીસકર્મી યોગરાજસિંહે દીપક પરમારને કહ્યું હતું કે, તારી પાસે શું પ્રુફ છે ત્યારે દીપક પરમારે બુટલેગર ઘનશ્યામ મોદી પાસેથી ખરીદેલી બોટલ બતાવી હતી. અને તેને ઓનલાઈન પેમેન્ટ કરયાનું પણ બતાવ્યું હતું.
ત્યારે પોલીસકર્મી યોગરાજસિંહ બુટલેગરને દબોચવાના બદલે બાતમી આપનાર યુવાન દીપક પરમારને તું પીધેલી હાલતમાં છે. એમ કહી તેને પીધેલી હાલતમાં પકડી ગુનો દાખલ કરી અને કહ્યું હતું કે, હું હવે તારી પત્ની પોલીસમાં છે તેને પણ લપેટમાં લઈશ એમ કહી તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ બીજા દિવસે મીડિયામાં પણ પ્રસિદ્ધ કરાવ્યું હતું. પરંતુ જે મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ કરતો બુટલેગર હતો તે તરત જામીન ઉપર છૂટી ગયો હતો.
ત્યારે બાતમી આપના યુવાન દિપક પરમારને પોલીસની કામગીરી ઉપર અવિશ્વાસ થતા અને ન્યુઝ મીડિયામાં તેનું ખરાબ આવતા તેને માઠું લાગી આવ્યું હતું. પોલીસ કર્મી યોગરાજ સિંહના કારણે તેને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો છે. યુવાનને ગંભીર હાલતમાં ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવાનના પરિવારના અને સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે લોકો દ્વારા પોલીસકર્મી યોગરાજસિંહ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.