
સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી જંગલી જાનવરના હુમલાઓની ઘટના સતત સામે આવી રહી છે. સિંહ અને દીપડા જેવા જંગલી જાનવરો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે. જેમાં અનેક વાર માનવ વધની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં સૌરાષ્ટ્રના અમરેલીમાંથી ફરીથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક દીપડા દ્વારા એક નાના બાળકને ફાડી ખાધો હતો.
અમરેલી જિલ્લામાં ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં બે વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાવાની ઘટના સામે આવી રહી છે. દલખાણીયા રેન્જના હિરાવા બીટના રાજસ્થળી રેવન્યુમાં વહેલી સવારે દીપડાએ બાળકનું મૃત્યુ નીપજાવ્યું હતું. રાજ સ્થળી રેવન્યુમાં મનુભાઈ લખમણભાઇ શેલડીયાની વાડીમાં પરપ્રાંતીય મજુર સુતા હતા અને બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો.
મામલાની જાણ થતાં જ દલખાણીયા વન વિભાગ અને ધારી પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. તેમજ વન વિભાગ દ્વારા માનવ પક્ષી દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. ૨ વર્ષીય મૃત બાળક બીટુ સુંદરસિંહ મીનાવાનો પરિવાર મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી છે. બાળકના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.