
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદથી લંડન જતું વિમાન ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં બી.જે.મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ બચી ગયો હતો જે ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક હતો. સોશિયલ મીડિયા પર કેટલાક મુસાફરોની વાર્તાઓ રજૂ કરી રહ્યું છે જે ખરેખર હૃદયદ્રાવક છે.
આ દુર્ઘટનામાં એક પરિવાર એવો છે જે લંડનમાં નવેસરથી શરૂઆત કરવા માંગતો હતો. એવા ભાઇ-બહેનો છે જેઓ પોતાના દાદીના જન્મદિવસની ઉજવણી કરવા માટે ભારત આવ્યા હતા અને લંડન પાછા ફરી રહ્યાં હતા. ભારતની મુલાકાતે આવેલા લંડનના કેટલાક નાગરિકો ઘણી યાદો સાથે ઘરે પાછા ફરી રહ્યા હતા. એક પિતા પણ હતા જે પોતાની પત્નીના અસ્થિઓનું અસ્થિવિસર્જન કરીને લંડન પાછા ફરતા હતા. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિની વાર્તા રડાવી નાખે તેવી છે.
મૃતક અર્જુનભાઈ પત્નીના અંતિમ સંસ્કાર કરવા ગુજરાત આવ્યા હતા
અર્જુન પટોલિયા થોડા દિવસ પહેલા ભારત આવ્યા હતા અને અહીં તેમણે પત્નીના અંતિમ સંસ્કાર કર્યા હતા. પત્નીની અસ્થીઓનું ગામના તળાવમાં વિસર્જન કર્યા બાદ તેઓ એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-એઆઈ-171માં લંડન જવા રવાના થયા હતા, જોકે આ સફર તેમનો અંતિમ સફર બની ગયો હતો.
સાત દિવસ પહેલા અર્જુનભાઈના પત્નીનું અવસાન થયું હતું
મીડિયા રિપોર્ટ મુજબ અમરેલીના વડિયાના રહેવાસી અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાના પત્ની ભારતીબેનનું સાત દિવસ પહેલા લંડનમાં અવસાન થયું હતું. પત્નીની અંતિમ ઈચ્છા હતી કે, તેમની અસ્થિઓને ગુજરાતના અમરેલી જિલ્લા સ્થિત પૈતૃક ગામના તળાવમાં વિસર્જીત કરવામાં આવે, ત્યારે અર્જુનભાઈ ગુજરાત આવ્યા અને સંપૂર્ણ સન્માન અને શ્રદ્ધા સાથે પત્નીની ઈચ્છા પૂરી કરી. તેઓ ફુલોથી સજાવેલ કળશમાં પત્નીની અસ્થિઓ લઈને ગામ પહોંચ્યા હતા અને અહીં પરિવારજનો સાથે ધાર્મિક-રીત-રિવાજ સાથે અસ્થિઓ વિસર્જીત કરી હતી.
https://twitter.com/SiddhAneeta/status/1933207006401204703
બે દિકરીઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
ત્યારબાદ તેમણે લંડન પરત ફરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે તેમની લંડનમાં રહેતી ચાર અને આઠ વર્ષની બે દિકરીઓ તેમની રાહ જોઈ રહી હતી. જોકે દુઃખ વાત એ છે કે, 12 જૂને બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ અને તેમાં અર્જુનભાઈનું પણ મોત થયું. બે દિકરીઓએ પહેલા માતાની છત્રછાયા ગુમાવ્યા બાદ હવે પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ અનેક લોકોનું કાળજું કંપી ગયું છે.