અમરેલી માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌથી મોટી લાઇન જોવા મળી છે. અમરેલી માર્કેટ યાર્ડમાં અમરેલી જિલ્લાના જ નહીં પરંતુ અન્ય જિલ્લાના ખેડૂતો પણ પહોંચ્યા છે. અમરેલી માર્કેટ યાર્ડથી લઈ રાધેશ્યામ ચોકડી સુધી ધાણા અને મરચા ભરેલ વાહનોની કતાર જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ગણાતા માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે સુવિધાનો અભાવ જોવા મળ્યો છે.
કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું અમરેલીનું સૌથી મોટું એપીએમસી માર્કેટ શોભાના ગાઠિયા સમાન જોવા મળી રહ્યું છે. અમરેલી માર્કેટ યાર્ડમાં પોતાનો માલ વેચવા આવેલા ખેડૂતો ભૂખ્યા અને તરસ્યા રોડ ઉપર વૃક્ષોના છાંયે બેસવા મજબૂર બન્યા હતા. ગઈકાલ બપોરના બે વાગ્યાથી લાઈન લાગી હતી તે આજે બપોર સુધીમાં 5 કિલોમીટર લાંબી લાઇન લાગી છે અને હજુ આ લાઇનમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. હજુ પણ યાર્ડના સંચાલકો દ્વારા સાંજના 4 વાગે ખુલશે તેવું ખેડૂતોને જણાવવામાં આવ્યું છે.
આ બાબતે સેક્રેટરીને જણાવવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ અમરેલી માર્કેટિંગ યાર્ડ દ્વારા 40 વીઘા જમીન લીધેલી છે જેમાં લેવલીંગ તેમજ રીપેરીંગ અને લાઈટિંગનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જેથી ટૂંક સમયમાં જ આ સમગ્ર પ્રશ્નોનો નિકાલ કરી આપવામાં આવશે. ખેડૂતો માટે યાર્ડની અંદર આવ્યા પછી પાણી અને જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે.