
Deesa Banaskantha News : અંતિમધામ એ જગ્યા છે, જેના વિશે દરેક વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કરે છે કે આ જગ્યા કોઈને ન બતાવે, પણ જીવનમાં એક વાર તો વ્યક્તિ અહીં આવતો જ હોય છે. વ્યક્તિ પોતાના સ્વજનની અંતિમક્રિયા કરવા માટે આ સ્થળે આવે છે. પણ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલા આ સ્મશાન આવીને લોકો કહે છે બસ હવે અહીંથી જવાનું મન નથી થતું.
ડીસામાં બનાસ નદી નજીક 14 વીઘામાં બન્યું છે આ મુક્તિધામ
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બનાસ નદી નજીક 14 વીઘા જેટલી જમીનમાં રૂપિયા 7 કરોડના ખર્ચે મુક્તિધામ આકાર પામ્યું છે. આ સ્મશાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત છે અને તે પાછળનું કારણ છે અહીં આવનાર લોકોને મળતી વિવિધ સુવિધાઓ. મુક્તિધામનું નામ પડે એટલે લોકો તેમાં જવાનું પસંદ કરતા નથી પણ ડીસામાં બનેલ આ મુક્તિધામમાં મળતી સુવિધાથી આવનાર લોકો કહે છે કે હવે અહીંથી જવાનું મન નથી થતું.
આ મોર્ડન મુક્તિધામમાં લાયબ્રેરી, બાળકો માટે રમત-ગમતના સાધનો
મુક્તિધામનો પ્રવેશદ્વાર પાર્ટીપ્લોટ કે કોઈ રિસોર્ટના પ્રવેશદ્વાર જેવો બનાવાયો છે. અંતિમક્રિયા માટે આધુનિક ડિઝાઇન વાળો સિમેન્ટ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જે પહેલી નજરે જોતા લોકો માટે સ્વર્ગનો અનુભવ કરાવે છે. અહીં બાળકોની દફનક્રિયા માટે પણ અલગ જગ્યા ફાળવાઈ છે. મુક્તિધામમાં પ્રાર્થના ખંડ, સિનિયર સિટિઝનો માટે લાયબ્રેરી હોલ, વિશાળ બગીચો, બાળકો માટે રમત-ગમતના સાધનો, સ્મૃતિ પરિસર, સ્નાનગૃહ, શૌચાલય સહિતની સુવિધા અહીં આવનાર દરેક લોકો માટે ઊભી કરાઈ છે.
પ્રિવેડિંગ શૂટિંગ, બર્થડે સેલિબ્રેશન માટે મુક્તિધામાં આવે છે લોકો
ડીસાના આ મુક્તિધામને બે ભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એક બાજુ અંતિમક્રિયાઓ માટેની વ્યવસ્થા અને બીજી બાજુ લોકો પિકનિક માટે હરવા ફરવા આવી શકે છે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મુક્તિધામની સુંદરતાને જોઈ અહીં પ્રિવેડિંગ શૂટિંગ માટે તેમજ બર્થડે સેલિબ્રેશન માટે પણ લોકો આવતા નજરે પડે છે.
માત્ર 1 રૂપિયો ટોકન લઈને કરવામાં આવે છે અંતિમક્રિયા
સામાન્ય રીતે કોઈ સ્મશાનમાં એક અંતિમક્રિયા માટે લાકડાનો ખર્ચ આજના વધતા ભાવ વધારાને જોતા રૂ.10,000થી વધુ થઈ જતો હોય છે, થઇ જ જતો હોય છે. પરંતુ ડીસાના આ મુક્તિધામમાં માત્ર રૂપિયા 1ના ટોકનમાં અંતિમક્રિયા થાય છે અને 80 કે તેથી વધુ વર્ષના મૃતકોની અંતિમક્રિયા માટે નિઃશુલ્ક લાકડા આપનાર દાતા મળી જાય છે. આવી સુવિધાથી લોકો પણ કહે છે કે આ મુક્તિધામમાં આવીએ છીએ એટલે જવાનું મન નથી થતું. ડીસાનું આ મુક્તિધામ અહીં આવનાર દરેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયુ છે.