
ગુજરાતભરમાંથી નકલી ડોક્ટર, નકલી જજ, નકલી પોલીસ ઝડપાવાનો સિલસિલો યથાવત રુપે જોવા મળી રહ્યો છે. એવામાં બનાસકાંઠામાંથી નકલી પોલીસને ઝડપી પાડવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી નકલી LCB પોલીસ ઝડપી પડાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં ડીસા દક્ષિણ પોલીસએ નકલી LCB પોલીસને ઝડપી પાડ્યો છે. બ્લેક કાચવાળી ગાડી લઈને રોફ મારતો નકલી પોલીસ કર્મી ઝડપી પડાયો છે. ડાયા અજમલ ઠાકોર નામનો આરોપી નકલી પોલીસ બનીને ફરતો હતો અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવી લૂંટ મચાવતો હતો. એવામાં ફરિયાદી પાસેથી ત્રણ હજાર લીધા હોવાની પોલીસને જાણ કરતા તેને ઝડપી પડાયો હતો.
ડીસામાં ગાયત્રી મંદિર પાસેથી નકલી પોલીસ ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આરોપી અગાઉ ગઢ પોલીસની હદમાં નકલી પોલીસ બની લૂંટ કરી હતી. તેમજ આ આરોપી જુગાર અને દારૂના કેસમાં અગાઉ પણ ઝડપાયેલ હતો. ડીસા દક્ષિણ પોલીસ દ્વારા આ ડુપ્લીકેટ LCB પોલીસને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.