
એક તરફ જલારામ બાપાની ટિપ્પણીને લઈ વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે વિવાદ મામલે સમજૂતી થઈ હોવાની માહિતી મળી હતી. વડતાલના દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી તેમજ બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી પણ પોતાની અનુકૂળતાએ જલારામ મંદિર આવશે અને ત્યાં બાપાના પરિવાર તથા સંસ્થાની માફી માંગશે તેવું પણ જણાવ્યું હતું. ત્યારે બનાસકાંઠામાં બાપાના ભક્તોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રઘુવંશી લોહાણા સમાજે સ્વામીની ટિપ્પણીને લઈ વિરોધ નોંધાવ્યો છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ભક્તો અને સમાજના આગેવાનો દ્વારા જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી જાહેરમાં માફી માગે તેવી માંગ કરવામાં આવી હતી. તેમજ જો સ્વામી જાહેરમાં આવી માફી નહીં માંગે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
શું હતો વિવાદ?
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કહ્યું કે, 'જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતાં કે, સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યાં. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યાં કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.'