
આખરે પૂજ્ય જલારામ બાપા વિશેની ટિપ્પણીને લઈ થયેલો વિવાદ થાળે પડ્યો છે. વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે વિવાદ મામલે સમજૂતી થઈ હોવાની માહિતી મળી રહી છે. વડતાલના દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી તેમજ બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી પણ પોતાની અનુકૂળતાએ જલારામ મંદિર આવશે અને ત્યાં બાપાના પરિવાર તથા સંસ્થાની માફી માંગશે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે આ બફાટ કર્યો હતો. વડતાલ ટેમ્પલ બોર્ડ દ્રારા લેખિતમાં અને વીડિયો મારફત માફી માંગવામાં આવશે.
જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ અપાયું
રાજકોટ જિલ્લામાં વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, ગઈકાલે અને આજે વિરપુર સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે. આવશ્યક વસ્તુઓ જેવી કે, મેડિકલ અને હોસ્પિટલ ચાલુ રાખવામાં આવશે. આ સાથે જ જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમજ બાપાના ભક્તો દ્વારા સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યા પર આવી રૂબરૂ માફી નહીં માંગવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
શું હતો વિવાદ?
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કહ્યું કે, 'જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતાં કે, સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યાં. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યાં કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.'
જ્ઞાનપ્રકાશ સ્વામીએ માંગી માફી
જ્ઞાનપ્રકાશ સ્વામીના આ નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષ ભભુક્યો છે. આ વીડિયો વાઈરલ થતાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, વિવાદ વકરતાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ અન્ય એક વીડિયો શેર કરી માફી માંગી હતી.
માફી માંગતા વીડિયોમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, 'સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્-સત્ વંદન કરી મારી વાત રજૂ કરૂ છું. થોડા સમય પહેલાં મેં એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો. એ જ પ્રસંગ મેં અન્ય એક મેગેઝિનમાં પણ વાંચ્યો. મને લાગ્યું કે, આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. અયોધ્યામાં જલારામ બાપાએ જે કામ કર્યાં અનેસ ભગવાસનના થાળ અંગે જે વાતો છે, તે અંગે મેં વાત કરી હતી. તેમ છતાં જો કોઈપણ સમાજ કે વ્યક્તિને મારી વાતનું દુઃખ લાગ્યું હોય તો હું ખરા દિલથી તમામની માફી માંગુ છું. તેમજ આ વીડિયો પણ અમે તુરંત હટાવી દીધો છે.'