
કહેવાતા વિકસિત ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. એક તરફ સરકાર ડિજિટલ ગુજરાતની વાતો કરી રહી છે તો બીજી તરફ ગુજરાતના છેવાડાના વિસ્તારોની શાળામાં શિક્ષકોની ભારે માત્રામાં અછત સર્જાઈ છે જેને કારણે બાળકોનું ભવિષ્ય અંધકરામય બન્યું છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં શિક્ષકોની ઘટને લઈ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના અસારાવાસ ગામની શાળામાં શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર ગંભીર અસર પડી રહી છે. વાવના અસારાવાસ ગામના ગ્રામજનોએ શિક્ષકોની ઘટને લઇને શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. શાળામાં છેલ્લા ઘણા સમયથી છ શિક્ષકોની ઘટ છે. ધોરણ એકથી આઠની શાળામાં છ શિક્ષકોની ઘટને લઈ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે. શાળામાં તાત્કાલિક શિક્ષકો મુકવા માટે ગ્રામજનોએ તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. તેમજ દસ દિવસમાં શિક્ષકોની ઘટ પૂરી નહીં થાય તો શાળાને કાયમી તાળા બંધી કરવામાં આવશે તેવી ગ્રામજનોએ ચિમકી આપી હતી.