
Banaskantha Student Dies of Heart Attack: છેલ્લાં અનેક વર્ષથી અનેક નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સા વધી ગયાં છે. હાલ બનાસકાંઠામાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત નિપજ્યું છે. પાલનપુરમાં 20 વર્ષીય વિદ્યાર્થીને કોલેજમાં હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. હાલ, યુવકનો પરિવાર શોકમાં ગરકાવ છે.
શું હતી સમગ્ર ઘટના?
બનાસકાંઠાના પાલનપુરની જી.ડી.મોદી કોલેજમાં થર્ડ યરમાં અભ્યાસ કરતાં 20 વર્ષીય નિકુલ ખાડેડિયાનું કોલેજમાં હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. નિકુલને કોલેજમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, બાદમાં આ દુખાવો અસહ્ય થયો અને તે બેભાન થઈ ગયો.
બેભાન થઈને ઢળી પડ્યો યુવક
નિકુલ બેભાન થઈને ઢળી પડ્યો તો કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના સત્તાધીશોને જાણ કરી અને તાત્કાલિક ધોરણે 108 બોલાવી તેને હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો. જોકે, યુવક હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.
પરિવારને ઘટના વિશે જાણ કરવામાં આવી
યુવાનને હોસ્પિટલ લઈ જતાં સમયે કોલેજ તરફથી પરિવારને ફોન કરી સમગ્ર ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. યુવકના પરિજન પણ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચ્યા હતાં. જોકે, નિકુલ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડૉક્ટરે તેને મૃત જાહેર કરતાં પરિવારના માથે જાણે આભ ફાટી પડ્યું છે. 20 વર્ષીય વ્હાલસોયાને ગુમાવવાથી પરિવારમાં શોકનો માહોલ છે.