
ભરૂચ શહેર સહિત ગ્રામ્યમાં સતત માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થતો જઈ રહ્યો છે. આ ઉપરાંત તેમાં જાનહાનિ પણ વધી રહી છે. અંકલેશ્વર શહેરમાં સોસાયટીના નાકે એક્ટિવા લઈને ઊભી રહેલી બે યુવતીને પૂરપાટ જતા કન્ટેનરચાલકે અડફેટે લેતા એક યુવતીનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે બીજી યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
અંકલેશ્વર શહેરનાં ભડકોદ્રા ગામ પાસે આવેલી આદિત્ય નગર સોસાયટી પાસે એક્ટિવા મોપેડ લઈ ઉભી રહેલી બે યુવતીને કન્ટેનર ચાલકે અડફેટમાં લેતા એક યુવતીનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું .જયારે એક યુવતીને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતનો ભોગ બનેલી બને બહેનપણીઓએ તાજેતરમાં ધો.12ની પરીક્ષા આપી હતી.
અંકલેશ્વરના સુરવાડી ગામે રહેતી મિતાલી હેમંતભાઈ પટેલ અને હાંસોટ રોડ ઉપર ત્યાગી નગરમાં રહેતી 17 વર્ષીય પુત્રી ભક્તિ બંન્ને મોપેડ ઉપર કાપોદ્રા પાટિયા પર આવેલ એપલ પ્લાઝા ખાતે કપડાં ખરીદી કરવા માટે ગયા હતા. જ્યાંથી કપડાં ખરીદી કરી તેઓ પરત ઘરે આવવા નીકળ્યા હતાં. દરમિયાન ભડકોદ્રાના આદિત્ય નગર સોસાયટીના ગેટ સામે ઉભા હતા તે દરમિયાન કાપોદ્રા તરફથી પૂરપાટ ઝડપે વાલિયા ચોકડી તરફ જતાં કન્ટેનરના ચાલકે રોડ સાઈડ ઉભી રહેલી બંન્ને બહેનપણીઓને અડફેટે લીધી હતી અને ટ્રેલર સાથે રોડ પર ઢસડી લાવ્યો હતો. જેમાં મિતાલી હેમંત પટેલનું ગંભીર ઈજાના પગલે ઘટનાસ્થળે જ નીપજ્યું હતું જયારે ભક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટના અંગે ભક્તિના પિતા સુભાષચંદ્ર પટેલે કન્ટેનરચાલક વિરુદ્ધ ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.