
Bharuch news: ભરુચ જિલ્લાના અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર ટેન્કર ચાલકની લૂંટ સાથે હત્યાના ગુનામાં ભરૂચ એલસીબી પોલીસે બે આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી. ત્યાર આરોપીઓ પાસેથી ચપ્પુ અને લૂંટમાં ગયેલા એક મોબાઈલને રિકવર કરી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે .
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર યુ.પી.એલ.-1 કંપની પાસે આવેલા સર્વિસ રોડ પર ગત 12 એપ્રિલથી 14 એપ્રિલ 2025 વચ્ચે એક ટેન્કરના કેબિનમાં ડ્રાઈવર હોરીલાલ યાદવની હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની ફરિયાદ ટ્રાન્સપોર્ટર ઓમપ્રકાશ લઠ્ઠાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ભરૂચ એલ.સી.બી. તથા બી ડિવિઝન પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી દરમ્યાન આ હત્યામાં વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતા મહારાષ્ટ્રના વતની જમની વણઝારા અને ભંગારૂ ભોસલેની સામેલ હોવાની માહિતી મળી હતી જે આધારે પોલીસે મહારાષ્ટ્ર, ઝારખંડ, એમપી અને યુપીમાં ટીમ મોકલી હતી દરમિયાન મળેલી માહિતીના આધારે ઉત્તર પ્રદેશના આઝમગઢથી બંને જમની વણઝારા અને ભંગારૂ ભોંસલેને ઝડપી પાડ્યા હતા
આ બંને આરોપીઓની આકરી પૂછપરછ કરતા પૈસાની તંગીથી કંટાળીને બંને લૂંટના ઈરાદે રસ્તા પર નીકળ્યા હતા. તેઓ એક ટેન્કરમાં સૂઈ રહેલા ડ્રાઈવર ઉપર છરી વડે વારાફરતી હુમલો કરીને તેની હત્યા કરી, મોબાઈલ અને રોકડા દસ હજાર રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.
હત્યા બાદ લૂંટમાં ઉપયોગ થયેલ છરો અને એક મોબાઈલ આરોપીઓએ પોતાના પરિવારજનો પાસે છુપાવ્યાનું પણ સામે આવ્યું હતું જેને મુદ્દામાલ તરીકે પોલીસે રિકવર કરી અન્ય પનમા વણઝારા અને શંકર પવારને વૉન્ટેડ જાહેર કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપાયેલ બંન્ને આરોપીના રિમાન્ડ ની તજવીજ શરુ કરી હતી.