
Botad news: ભાવનગરના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામે 80 વર્ષના વેરના વળામણા થયા, રાજપૂત સમાજમાં પેઢીઓથી ચાલતા વેર ભાવને આજે શમાવવામાં આવ્યું હતું. ગાયત્રી મંદિરના મહંત પૂજ્ય જયંતી બાપુની હાજરીમાં બે પરિવારોને ભેગા કરી મોં મીઠું કરાવી એક કર્યા હતા.
આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામની 80 વર્ષથી સામ સામે હત્યાના વેરભાવ ચાલી રહ્યા હતા ત્યારે ચિત્રાવાવ ગામના જ ધર્મેન્દ્રસિંહ અણદુભા અને ભરતસિંહ કેશુભાના પરિવારને એક સાથે બેસાડી વર્ષોથી ચાલી આવતી વેર ભાવનાનો આજે અંત લાવવામાં આવ્યો.
વર્ષો પહેલાની ઘટનામાં બંને પરિવારનાં વ્યક્તિઓએ સામસામે હત્યા કરી હોવાથી એક જ ગામમાં રહી ક્ષત્રિય કુટુંબોમાં આંતરિક વેરભાવના વ્યાપેલી હતી. અનેક સમાજના અગ્રણીઓ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ હોદ્દેદારોએ સમાધાન કરાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ પ્રયત્નો નિષ્ફળ જતા હતા. ત્યારે ખોપાળા સ્થિત ભગવત સેવાશ્રમ ગાયત્રી મંદિરના ઉપાસક અને મહંત પરમ પૂજ્ય જયંતી બાપુના આશિષ અને વચન સાથે બંને પરિવારોએ સમાધાન માટે સંમત થયા હતા.
ચિત્રાવાવ ગામમાં ગામ ધૂમાડો બંધ રાખી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય જયંતિ બાપુની ઉપસ્થિતિમાં બન્ને પરિવારોને સાથે બેસાડી મોં મીઠા કરાવી ફૂલહાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત સમાજના અધ્યક્ષ કીર્તિસિંહ, ઉપાધ્યક્ષ યોગરાજસિંહ ચંદુભા આલમપર, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .ઉમરાળ,દડવા, લાખણકા, ઈશ્વરિયા, ધારૂકા સહિતના આસપાસના ગામોમાંથી રાજપૂત સમાજના શ્રેષ્ઠીઓ દાતાશ્રીઓ અગ્રણીઓ આ સમાધાનમાં હાજર રહી આ સમાધાનને બિરદાવ્યું હતું.
પ્રમુખ દ્વારા વેરભાવના ખતમ કરવા માટે જતુ કરવાની ભાવના હોવી ખૂબ જરૂરી છે મોટું મન રાખી જતું કરવાથી અનેક સમસ્યાઓનો અંત આવી જાય છે સમાજનો વિકાસ પણ થાય છે સાથે જૂની રૂઢિમાંથી બહાર આવી, વ્યસનથી મુક્ત થવા ક્ષત્રિય સમાજના લોકોને આહવાવહન કરવામાં આવ્યું હતું.