ગુજરાતના ભરૂચમાં લગ્ન પહેલાં વરઘોડામાં મારામારીની ઘટના સામે આવી છે. વરરાજા પોતાની લાડી લેવા જઈ રહ્યા હતાં, તે પહેલાં વરઘોડા દરમિયાન બેન્ડ વગાડવા મુદ્દે મારામારી થઈ હતી. બેન્ડના અવાજથી ભેંસ ભડકી હતી, જેના કારણે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
ભરૂચના નવા તવરા ગામે લગ્નનો પ્રસંગ હતો. વરરાજા પોતાની લાડીને પરણવા જઈ રહ્યાં હતાં, તે દરમિયાન જાનૈયાઓ વરઘોડામાં નાચીને લગ્નની ઉજવણી કરી રહ્યાં હતા. જોકે, વરઘોડામાં વાગતાં બેન્ડના અવાજથી ગામમાં એક વ્યક્તિના ઘરે બાંધેલી ભેંસ અચાનક ભડકી ગઈ હતી. જેથી, ત્યાંના લોકોએ બેન્ડનો અવાજ ધીમો કરવાનું કહેતાં, પહેલાં આ મામલે બોલાચાલી થઈ હતી.
બોલાચાલી બાદ હિંસા
બાદમાં આ દ્રશ્ય હિંસામાં બદલાઈ ગયું હતું. બંને પક્ષો દ્વારા મારામારી કરવામાં આવી અને લગ્ન પડતાં રહી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સમગ્ર મામલે બંને પક્ષ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હાલ બંનેની ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.