ભરૂચ જિલ્લા સહિત જંબુસર પંથકમાં રાત્રિના આશરે 11:30 કલાકે તોફાની પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને તે અનુરૂપ જ ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રેસિડેન્શિયલ સોસાયટીઓમાં પાણી મકાનોની અંદર ઘૂસી જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વાહનો પાણીમાં પડ્યાં બંધ
વિજળીની તીવ્ર ચમક અને તોફાની પવન વચ્ચે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો અચાનક બંધ થયો હતો. વીજ પુરવઠો ઠપ થતા નાગરિકો રાતભર અંધારામાં બેઠા રહેવા મજબૂર બન્યા હતા. તેમાં પણ વૃદ્ધો, બાળકો અને રોગીઓ માટે ખાસ અશક્તિકર પરિસ્થિતિ ઊભી થઈ હતી.ભારે વરસાદના કારણે રોડ પર ભરાયેલા પાણીના પ્રવાહે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા સહાય માટે મકાનદારો અને નગરજનોથી સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.