
Ankleshwar News: ગુજરાતભરમાંથી સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે એવામાં ભરુચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. અંકલશ્વરમાં કોસમડી નજીક ટ્રકની અડફેટે આવી જતાં બાઈક પર સવાર મહિલાનું મોત નિપજ્યું જ્યારે પતિ અને બાળકને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અડફેટે આવતાં પતિ, પત્ની અને બાળક રોડ પર પટકાયા
અંકલેશ્વરના વાલિયા રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કાપોદ્રા નજીકની ઝકરીયા પાર્કમાં રહેતા સુહેલખાનની પત્ની અને બાળક સાથે બાઈક પર કોસમડી નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈકને ટ્રક ચાલકે અડફેટે લેતાં સુહેલખાન અને તેમની પત્ની ઝાહીદાખાતુન સહિત બાળક રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર ઇજાના પગલે 32 વર્ષીય ઝાહીદાખાતુનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઇ ગયો
જ્યારે સુહેલખાન અને બાળકને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસને થતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.