
Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગત રોજ એરપોર્ટથી લંડન જતા વિમાને ટેક્ ઑફ કર્યાને થોડીક સેકંડોમાં જ તૂટી પડયું હતું. જેમાં પ્લેનમાં સવાર 241 પ્રવાસીઓ જીવતા ભડથું થઈ હતા. આમાં ભાવનગર જિલ્લાના સોસિયા ગામના ભાવિ તબીબ રાકેશ દિહોરા નામના 25 વર્ષીય યુવકનું પણ મોત થયું હતું. આ યુવક લંડનમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. યુવકના મૃતદેહને વતન લવાતા આખા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો હતો. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી, તળાજા ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓની હાજરીમાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં ગુરુવારે 12મી જૂને બપોરના 1.30 વાગ્યાના સુમારે લંડન જતી એર ઈન્ડિયાની સીધી ફલાઈટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડયાને પ્રચંડ વિસ્ફોટ સાથે ક્રેશ થઈ ગયું હતું. જેમાં લંડન જતા મુસાફરો સહિત પાયલોટ અને ક્રૂ મેમ્બર્સનાં મોત થયા હતા. આ દરમ્યાન મોતને ભેટેલા પ્રવાસીઓમાં ભાવનગર જિલ્લામાં આવેલા સોસિયા ગામના ભાવિ ડૉકટર રાકેશભાઈ દિહોરા નામના 25 વર્ષીય યુવાનનું પણ આ વિમાન દુર્ઘટનામાં મોત નિપજયું હતું.
યુવાન રાકેશ દિહોરા લંડનમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જે વતન સોસિયા ગામથી લંડન જઈ રહ્યો હતો અને આ દુર્ઘટનામાં તેનું અકાળે અવસાન થયું હતું. રાકેશ દિહોરાના નિધનને પગલે આખા સોસિયા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. મૃતક રાકેશ દિહોરાના મૃતદેહને વતન સોસિયા ગામ લવાયો હતો અને જ્યાં રાજકીય અગ્રણીઓ અને કેન્દ્રીય મંત્રી,તળાજા ધારાસભ્ય,જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અંતિમવિધિમાં હાજર રહ્યા હતા.