હવામાન વિભાગની આગાહીને લઇને આજે વહેલી સવારથી ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં જાણે વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતી સર્જાઈ છે. ભાવનગર જિલ્લાના સિહોર, પાલિતાણા પંથકમાં ભારે વરસાદના કારણે નદી નાળામાં ઘોડાપુર આવ્યુ છે. ભારે વરસાદને પગલે પાલિતાણા - ટાણા રોડ પર બુઢણા ગામે આવેલો કોઝવે તૂટ્યો હતો. કોઝવે તૂટવાનો વિડીયો હાલ સામે આવ્યો છે.
મહુવા તાલુકાના ઓથા ગામમાં ભારે વરસાદના કારણે ડોંગી નદી ઉફાણ પર આવી છે. છેલ્લા બે કલાકથી અવિરત વરસાદના પગલે નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના કારણે ગામમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
બગદાણા પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેની અસર ઓથા ગામની નદી પર પણ જોવા મળી. નદીમાં સતત પાણીનો પ્રવાહ વધતાં મહુવા-બગદાણા રોડ બંધ કરવાની ફરજ પડી છે. ગામની બજારમાં પણ વરસાદી પાણી ભરાયું છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામની નદી અને બજાર વિસ્તારમાં પાણી બે કાંઠે વહેતું હોવાના દૃશ્યો જોવા મળ્યા.