ગુજરાતભરમાં આગ લાગવાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે તેમ વધુ એક ભાવનગર જિલ્લાના ડુંગર વિસ્તારમાંથી આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાવડી ગામ અને આસપાસના ડુંગરા વિસ્તારમાં આજે ભયાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે એક હજાર વિઘાથી વધુ જમીન તેની ઝપટે આવી ગઈ હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ સ્થાનિકોએ તાત્કાલિક તંત્ર, ફોરેસ્ટ વિભાગ અને તલાટી મંત્રીઓને જાણ કરી હોવા છતાં કોઈ બેથી અઢી કલાક સુધી ઘટના સ્થળ પર પહોંચ્યું નહોતું, લોકોએ તંત્રની ઉદાસીનતા સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ વિલંબના કારણે આગ વધુ વિસ્તરી ગઈ હતી, અને નુકસાનના પ્રમાણમાં વધારો થયો હતો. સ્થાનિક લોકો અને ખેડુતો પોતાનાં સ્તરે આગ બુઝાવવા પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.