ભાવનગરના સિહોરના તાલુકાનું ભાણગઢ ગામ ભારે વરસાદથી સંપર્ક વિહોણુ બન્યુ છે. ગઈકાલથી પડી રહેલા સતત વરસાદથી ભાણગઢ ગામેથી પસાર થતી કાળુભાર નદી પાણીમાં ફરી વળતા ગામ સંપર્ક વિહોણું થયું હતું. અને ભાણગઢ ગામ તરફ જવાના રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે.
ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. પાલિતાણા પંથકમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક ગામો પ્રભાવિત થયા છે. પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામોનો સંપર્ક તૂટ્યો છે. પાલીતાણાના રંડોળાથી સિહોરને જોડતા મુખ્ય માર્ગ પરના પુલ તૂટી જતા પંથકના 12 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે.
ભાવનગર જિલ્લાના પાલિતાણા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. રંડોળાથી સિહોરના 12 ગામો બુઢણા, લવરડા, ઢુંઢસર સરકડીયા, ગુંદળાં ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો છે. પાલીતાણા તાલકાના અનેક ચેક ડેમો નદી નાળાઓ છલકાયા છે.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામે કેરી નદી ગાંડીતુર બની છે. નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને પગલે નશીતપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં પણ નદીના પાણી ઘૂસી ગયા છે.