
બે દિવસ અગાઉ ભાજપ દ્વારા સંગઠનમાં બદલાવ કરવામાં આવ્યો હતો. જિલ્લા અને શહેરોમાં પ્રમુખની પસંદગી કરીને નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. જોકે, જિલ્લા પ્રમુખ બનવા માટે ભાજપ દ્વારા અગાઉ નિયમો બનાવવામાં આવ્યાં હતાં. જેના આધારે પ્રમુખની જાહેરાત થવાની વાત કરવામાં આવી હતી. પરંતુ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ બનાવવા માટે ભાજપે જ પોતાના નિયમો કોરાણે મૂક્યા હોવાનું સામે આવ્યું છે.
નિયમોનું ગાણું ફ્લોપ
છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાયસીંગભાઇ રાઠવાની વરણી કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખની વરણીમાં ભાજપે બનાવેલા નિયમો તોડયા હતા.છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ હાલ જિલ્લા પંચાયત સદસ્ય પાવીજેતપુર બેઠક ઉપર છે. ભાજપે એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનું ગાણું ગાયુ હતુ. ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ એક વ્યક્તિ બે હોદ્દા પર હોવાનું સામે આવ્યું છે.
અરમાન ધોવાયા
છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 60થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. તમામ ઉમેદવારો રેસમાં હતાં. ઘણાના નામ તો નિયમો પૂર્ણ કરતાં હોવાથી ચર્ચામાં પણ હતાં. જો કે, તેઓની આશા ઠગારી નિવડી છે. ભાજપ મોવડીમંડળે નિયમોનું પાલન ન કરતા અનેક લોકોના અરમાન ધોવાયા છે.