
છોટાઉદેપુર નગરપાલિકામાં આઠ સભ્યો ભાજપ ના ચૂંટાતા ભાજપ બોર્ડ બનાવી શકે તેવી સ્થિતિ ભાજપ ની નથી જેના કારણે વડોદરા ના ભાજપ ના દિગ્ગ્જ નેતા મોડી રાત્રે છોટાઉદેપુર ખાતે દોડી આવ્યા હતા. અપક્ષ તેમજ અન્ય પાર્ટીઓના સભ્યોનો ટેકો લેવામાં આવે તો કેવી સ્થિતિ બને તેની ચર્ચા કરવામાં આવી હતી. જયારે બીજી તરફ છોટાઉદેપુર નગરપાલિકામાં કિંગ મેકરની ભૂમિકામાં સમાજવાદી પાર્ટી પહેલી વાર બે વોર્ડમાં છ ઉમેદવાર ઉતારતા તેઓની જીત થતા 6 બેઠકો તેઓ પાસે છે.
ભાજપની સ્થિતિ સારી નથી
સમાજવાદીઓનું સમર્થન મળે તો સમગ્ર દેશમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનનો મેસેજ જાય તેવા પ્રયાસો ભાજપ કરી રહ્યું છે. ત્યારે ભાજપને બોર્ડ બનાવવું છે, અને ગાંધીનગરના આદેશ છૂટતા વડોદરાના એક નેતાને જવાબદારી સોંપતા તેઓેએ મોરચો સંભાળ્યો છે. છોટાઉદેપુર નગરપાલિકાની સ્થિતિમાં ભાજપ સાથે સમાજવાદી પાર્ટીના 6 સભ્યો સાથે જાય તો 14નું સંખ્યા બળ થાય તેમ છે. જયારે બે સભ્યો અપક્ષ ન મળી જાય તો બોર્ડ બની જાય તેમ છે. છોટાઉદેપુર નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું બોર્ડ બન્યું નથી. આ વખતે ઘણી મોટી આશા સાથે નેતાઓ ઉતર્યા હતા. પરંતુ બોર્ડ બનાવી ના શકતા હાલ તો ભાજપની સ્થિતિ સારી નથી જયારે અન્ય પાર્ટીઓનો સહારો લેવા માટે ભાજપનો પ્રયાસ છે.
જૂના જોગી પ્રમુખ બનવાની હોડમાં
બીજી તરફ અપક્ષો વધુ પડતા લઘુમતી સમાજમાંથી ચૂંટાયા છે. તેઓને સાથે લેવા જાય છે. તો ભાજપની વિચાર શરણી ઉપર અસર થાય છે. ભાજપ બંન્ને તરફ ઘેરાયેલું છે. અપક્ષોની મદદ લેવામાં પાછીપાની કરવામાં આવી રહી છે. હાલ તો ભાજપ તમામ પાસાઓ વિચારી રહી છે. પરંતુ છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનો પ્રમુખ નગરપાલિકાનું શાસન સંભાળે તેવા પ્રયત્નો ગાંધીનગરથી થઇ રહ્યા છે. ભાજપના જૂના જોગીઓ પ્રમુખ બનવાની હોડમાં પણ છે. જયારે હાલ તો અપક્ષોને નગરપાલિકામાં મોટો ફાયદો થાય તેમ છે.