
છોટાઉદેપુર નગરપાલિકામાં પતિ પત્નીને બે પુત્રો એક સાથે છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડની ચૂંટણી લડી હતી. જેમાં બંનેવ પુત્રો અને પત્નીનો પરાજય થયો જ્યારે ઘરનો મોભી સાતમી વાર વોર્ડની ચૂંટણીમાં વિજેતા થતા સૌથી વધુ વાર ચૂંટણી જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વિજેતા ઉમેદવાર પ્રચારમાં એક પણ મતદારને મત આપજો તેવું કહેવા માટે પણ ગયા ન હતા.
છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6માં નવીન ભારત નિર્માણ મંચમાંથી ફારુકભાઈ મહંમદભાઈ ફોદાએ નગરપાલિકામાં ચાર સભ્યોની પેનલ ઉતારી હતી. જેમાં આખી પેનલમાં એક જ ફારુકભાઈ 1237 મત મળતા તેઓ ચૂંટાઈ આવ્યા હતા અને તેઓની પેનલના ત્રણ સભ્યો હારી ગયા હતા, જ્યારે તેઓની પત્ની સાબેરાબેન ફારુકભાઈ ફોદા અપક્ષ તરીકે ચૂંટણી લડતા તેઓને 54 મત મળ્યા હતા.
ત્યારે તેઓની પણ હાર થઈ હતી જ્યારે તેઓના પુત્ર રમઝાની ફારુકભાઈ ફોદા વોર્ડ નંબર 4 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી, તેઓની 396 મત મળતા તેઓના હરીફ ઉમેદવારો સામે હાર થઇ હતી. જ્યારે તેઓનો મોટો પુત્ર આરીફભાઈ ફારુકભાઈ ફોદા ભાજપમાંથી વોર્ડ નંબર 3 પરથી ચૂંટણી લડ્યા હતા, તેઓને 557 મત મળતા તેઓના હરીફ ઉમેદવારો સામે હારી ગયા હતા.
આમ છોટાઉદેપુર નગરપાલિકામાં એક જ ઘરના ચાર સભ્યો અલગ અલગ વોર્ડમાંથી ચૂંટણી લડ્યા હતા, તેમાં ત્રણ સભ્યો હારી ગયા જ્યારે આ પરિવારના મોભી ફારુકભાઇ મહંમદભાઈ ફોદા સતત સાતમી વાર નગરપાલિકામાં ચૂંટાઈને જવાનો રેકોર્ડ પણ બનાવ્યો. જ્યારે પરિવારમાં ખુશી અને ગમનો માહોલ પણ જોવા મળ્યો હતો.
છોટાઉદેપુર નગરપાલિકા માં સાંસદ ધારાસભ્યો મંત્રીઓ પ્રચાર માટે આવ્યા પરંતુ નગરપાલિકામાં સત્તા હાંસિલ કરી શક્યા નહીં. 20 ઉમેદવારોમાંથી ફક્ત આઠ ઉમેદવારો જીતતા સાંસદના ગઢમાં ગાબડું પડ્યું હતું. છોટાઉદેપુરમાં ધારાસભ્ય પણ ભાજપના, જિલ્લા પંચાયત પણ ભાજપની છતાંય નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી ન મળતા ભાજપની આબરૂ પાણી પાણી થઈ ગઈ હતી.
છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપ દ્વારા 20 સભ્યો ઉતારવામાં આવ્યા હતા. તેમને જીતાડવા માટે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા માજી સાંસદ નારણ રાઠવા તેમજ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઇ રાઠવા તેઓનું હોમ ટાઉન છે. આ સાથે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તથા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા અને પ્રભારી મંત્રી ભીખુ સિંહ પરમાર સહિતના નેતાઓ એક સાથે 20 ઉમેદવારોને જીતાડવા માટે મેદાને પડ્યા હતા.
તેમજ સમગ્ર તંત્રને પણ જાણે કામે લગાડી દીધું હતું. મંત્રીઓ વોર્ડ ખૂંદી રહ્યા હતા ધારાસભ્યો સાંસદ તેમજ નેતાઓ ઢોલ નગારા સાથે નગરપાલિકાની ચૂંટણીમાં ડોર ટૂ ડોર પ્રચાર કર્યો હતો પરંતુ ભાજપ ના નેતાઓનો પ્રચાર એળે ગયો અને નગરપાલિકામાં 12 ઉમેદવારોની હાર થઈ. ફક્ત આઠ ઉમેદવારો વિજેતા બન્યા જેના લીધે ભાજપના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને એક પણ નેતા મતગણતરી ન સ્થળ ઉપર આવ્યા ના હતા. જ્યારે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય વંદન પંડ્યાને પૂછતા તેઓએ જણાવ્યું કે, બોર્ડ બનાવવા માટે પાર્ટી નિર્યણ લેશે અમારી મહેનતની જીત છે જ્યારે સરકાર ભાજપની હોવા છતાંય નગરપાલિકામાં ભાજપ બોર્ડ બનાવી શક્યું નથી.