
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નર્મદા યુરિયા ડીએપી ખાતરની તંગી સર્જાઈ છે. જેથી ખેડૂતો ખાતર લેવા માટે ભટકી રહ્યા છે. સરકાર ખેતીના સમયે ખાતર પૂરું પાડતી નથી. જેથી કેવી રીતે ખેડૂતોની આવક બમણી થશે તેવા સવાલો સાથે જગતનો તાત હાલ ભટકી રહ્યો છે. ઉનાળું વાવેતર સમયે સર્જાયેલી રાસાયણિક ખાતરની તંગીથી ખેતી નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે.
ખેડૂતોની મળે છે નિરાશા
હાલ તલ મગફળી તેમજ મગનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. ખાતરની તાતી જરૂરિયાત છે. ત્યારે યુરિયા ખાતર ગુજકોમાસોલ અને જીએનએફસીનો સરકારી ડેપોમાં તેમજ ખાનગી ડેપોમાં ખાતર ખલાસ થઈ જતા છેલ્લા 15 દિવસથી ખેડૂતો ખાતર શોધવા માટે આમ તેમ ભટકી રહ્યા છે. નજીકના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખેડૂતો પણ નસવાડી ખાતે ખાતર લેવા માટે આવે છે. પરંતુ ખાતર ન મળતા ખેડૂતો નિરાશ થઈને પરત જાય છે.
કેવી રીતે બમણી થશે આવક
હાલ ખેતીમાં નર્મદા યુરિયા ડીએપી ખાતરની તાતી જરૂરીયાત છે. તેવા સમયે ખાતર ન મળતા ખેડૂતોની ખેતી નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકારે એક તરફ કહે છે કે, નર્મદા યુરીયા ખાતર દરેક ખાતરના ડેપોમાં ઉપલબ્ધ છે. પરંતુ નસવાડી તાલુકામાં નર્મદા યરીયા ખાતર મળતુ નથી. સરકાર કહે છે ખેડૂતોની આવક બમણી કરીશું. પરંતુ, જગતનો તાત ખાતર લેવા માટે ભટકતો હોય ત્યારે આવક કેવી રીતના બમણી થશે કૃષિ મંત્રી આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.