છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ગડૈથા ગામમાં ગુરુવાર રાત્રે મધ્યરાત્રિના સમયે એક હ્રદયદ્રાવક ઘટના બની હતી, જ્યારે ગામના એક વિસ્તારમાં એક પછી એક ચાર મકાનોમાં આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં ચારેય મકાનો ભસ્મસાત થઇ ગયા. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હોવાને કારણે થોડી રાહત થઇ છે, પણ આગના કારણે મોટું આર્થિક નુકસાન થયું છે. આગની ચપેટમાં આવેલ મકાન રમેશભાઈ ભંગડાભાઈ રાઠવા અને પુનિયાભાઈ દેહલાભાઈ રાઠવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને પરિવારોની મિલ્કત આગમાં બળીને ખાક થઈ ગઈ છે. આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ છે કે અન્ય કોઈ કારણ, તેની તપાસ ચલાવવામાં આવી રહી છે. આગ લાગતાની જાણ થતાં નજીકની ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘણી જ મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. ઘટના બાદ ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.