છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામ નજીક આવેલા રેલવે ગરનાળામાં સામાન્ય વરસાદ પડતાં જ પાણી ભરાઈ જવાનું દ્રશ્ય રોજનું બની ગયું છે. આ માર્ગ બોડેલી અને સંખેડા માટે ટૂંકો અને મહત્વનો રસ્તો છે, જેના કારણે અહીં વાહનોની ભારે અવરજવર રહે છે. પરંતુ, રેલ્વે વિભાગની નિષ્કાળજીને કારણે આ ગરનાળામાંથી વરસાદી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે, અહિંથી પસાર થનારા વાહનચાલકોને ખાસ કરીને વરસાદી ઋતુમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રમાણમાં વધારે વરસાદ પડે ત્યારે આ ગરનાળામાં કમર સુધી પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહનો બંધ પડી જાય છે અને અકસ્માતની સંભાવનાઓ પણ વધે છે. આ માત્ર અલ્હાદપુરાની જ નહિ, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં આવેલા રેલ્વે ગરનાળાઓ માટે સામાન્ય સમસ્યા બની ચૂકી છે. અગાઉ આ મુદ્દા અંગે સાંસદ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં હજુ સુધી કોઈ સુદ્રઢ કાર્યવાહી થઈ નથી.