છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ભારજ નદી ઉપર ચાર કરોડના ખર્ચે બનેલા ડાયવર્ઝનમાં ગાબડા પડ્યાં છે. વડોદરા અને છોટાઉદેપુરનો રસ્તો બંધ કરાતા 35 કિલોમીટરનો ફેરો સાબિત થઈ રહ્યો છે. ડાયવર્ઝન ઉપરથી કોઈ પણ વાહનને પસાર કરવા દેવામાં આવતા નથી. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બે વખત ડાયવર્ઝન ધોવાયું
ચાર કરોડ 25 લાખના ખર્ચે નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓએ ડાયવર્ઝન બનાવ્યું હતું. તે પહેલા જ વરસાદમાં ધોવાયું હતું. જેથી સરકારના ચાર કરોડ 25 લાખ પાણી માં વહી ગયા છે. ગત વર્ષે 2 કરોડ 25 લાખનું ડાયવર્ઝન ધોવાયું હતું. એક વર્ષ માં નેશનલ હાઈવે 56 વિભાગ દ્વારા બે ડાયવર્ઝન અત્યાર સુધી બનાવાયયા અને બન્ને ડાયવર્ઝન ધોવાતા સરકારના 6 કરોડથી વધુની રકમ ધોવાઈ ગઈ છે.
નેતાઓ ફરક્યાં પણ નહીં
મોટા ઉપાડે ભાજપના નેતાઓએ ડાયવર્ઝનને ખુલ્લું મૂક્યું હતું. પરંતુ ડાયવર્ઝન ધોવાતા ભાજપના નેતાઓ ફરક્યા પણ નહીં. માજી વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ ગંભીર આક્ષેપ કરતા ભ્રષ્ટાચારી શાસનના કારણે એક વર્ષમાં બે ડાયવર્ઝન ધોવાઈ જતા તેમાં કામગીરી કરનાર એજન્સી સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ. જે તે વખતે કામ ચાલતું હતું. તે હલકી કક્ષાની કામગીરી અધિકારીઓ કરાવતા હતા. અધિકારીઓ સામે પણ પગલા ભરાવવા જોઈએ.