છોટાઉદેપુર જિલ્લામાં વરસાદના કારણે નસવાડી તાલુકા અને બોડેલી તાલુકાને જોડતા રસ્તા ઉપર નસવાડી તાલુકાના કાળીડોળી ગામ પાસે સ્લેબ ડ્રેઇન ( નાનો પુલ ) બની રહ્યો છે. કાચું ડાયવર્ઝન હોવાથી લોકોને મુશ્કેલી પડતા લોકોએ સુત્રોચાર કર્યા અને પાકું ડાયવર્ઝન આપોની માંગ કરી હતી.
15 કિમીનો ફેરો થાય
પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા 70 લાખના ખર્ચે કાળીડોળી ગામ પાસે સ્મશાન નજીક આવેલા કોતર ઉપર સ્લેબ ડ્રેઇન ( નાનો પૂલ ) બનાવવાની કામગીરી છ માસ પહેલા શરુ કરી હતી. રોડની સાઈડમાં કાચું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. વરસાદ પડતા કાચું ડાયવર્ઝન ઉપર કીચડ થઇ જતા સેંકડો વાહનો આ રસ્તા ઉપરથી પસાર થતા હોવાથી વાહન ચાલકોના વાહનો પસાર થઇ શકતા નથી. ગ્રામજનોએ અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અધિકારીઓ ધ્યાન ન આપતા લોકો રોષે ભરાયા હતા. વધારે વરસાદ પડે તો આ રસ્તો બંધ થઇ જાય તેમ છે. નસવાડી તાલુકાના કાળીડોળી ગામના ગ્રામજનોને બોડેલી અને કોસીંદ્રા જવા માટે 15 કિલોમીટરનો ફેરો ખાવો પડે તેમ છે. આ રસ્તા ઉપર 100થી વધુ ગામોના લોકો અવરજવર કરે છે. બે તાલુકાને જોડતો મુખ્ય રસ્તો છે.
ધીમી ગતિએ ચાલતા કામ
બાળકો અભ્યાસ માટે કોસીંદ્રા ખાતે જાય છે. તે બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે. જેને લઈને ગ્રામજનો પૂલની કામગીરી ચાલે છે. ત્યાં ભેગા થઈને તંત્રને જગાડવા માટે અને પાકું ડાયવર્ઝન બનાવવા માટે ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. નસવાડી તાલુકામાં ચાર જેટલા ગામોમાં સ્લેબ ડ્રેઇનની કામગીરી ધીમીગતિએ ચાલતી હોવાથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. તંત્રના અધિકારીઓ ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થાય તે માટે આગોતરું આયોજન ના કરતા અને કોન્ટ્રાકટરો ધીમીગતિએ કામ કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વધુ વરસાદ પડે તો અનેક ગામડાઓનો સંપર્ક કપાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ તો લોકો વિરોધ પ્રદર્શન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નસવાડી તાલુકામાં પંચાયત માર્ગ મકાન વિભાગના 20 કરોડના કામો ચાલી રહ્યા છે. તે અધૂરા છે વહેલી તકે કામો પુરા થાય તો પ્રજાને સુવિધા મળે તેમ છે.