
Naswadi news: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાતની વાતો પોકળ સાબિત થતી હોય તેવી ઘટના સામે આવી છે. નસવાડી તાલુકાના ખેંદા ગામમાં વિકાસની ખોટી હકીકત ફરી એકવાર સામે આવી છે. ગામના કાચા રસ્તાઓની ખરાબ હાલતને કારણે એક સગર્ભા મહિલાને દવાખાને પહોંચાડવા માટે ખાનગી જીપનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ રસ્તો એટલો ખરાબ હતો કે જીપ ચઢી ન શકી. જેને લઈ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
મળતી વિગતો અનુસાર, છોટાઉદેપુરના નસવાડીમાં આવેલા ખેંદા ગામમાં કાચા અને બિસ્માર રસ્તાને લીધે એક સગર્ભાને દવાખાને લઈ જવા ખાનગી જીપનો ઉપયોગ કરવાની નોબત આવી હતી. કાચા રસ્તાને લીધે ખેંદા ગામમાં 108 એમ્બ્યુલન્સ ન પહોંચી શકી.આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર અને તેની નીતિને આડે હાથ લીધી હતી. ભાજપના ભ્રષ્ટ સાશકોના કારણે ફરી એકવાર ગુજરાતને શર્મસાર કરતી ઘટના બની છે. સરકાર માત્ર વિકાસ અને આરોગ્ય સેવાના બણગા ફૂંકી રહી છે.
કોંગ્રેસના સરકારની નીતિ પર સવાલો
આ જગ્યાએ ભૂતકાળમાં કલેક્ટર અને DDOના વાહનો પણ ફસાયા હતા. જેથી આદિવાસી વિસ્તારોને અન્યાય કરવાની નીતિ ઉજાગર થઈ છે. પાકો રસ્તો નહીં પણ વાહન પસાર થઈ શકે તેવો સાદો રસ્તો પણ સરકાર બનાવી શકી નથી. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ આગળ જણાવ્યું કે, સરકાર તાત્કાલિક આવા અંતરિયાળ વિસ્તારોમાં રસ્તા બનાવે. નકલી કચેરીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. આ વિકાસના નાણાં જાય છે ક્યાં તેવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો હતો. સરકાર રસ્તો બનવવા માટે કોઈના મોત થવાની રાહ જોઈ રહી છે?