
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગ્ધા ગામના ખેડૂતને જમીનનું વળતર ન મળતા રોષે ભરાયેલા ખેડૂતે 50 ગામોને જોડતો મુખ્ય માર્ગ બંધ કરી દીધો છે. ખેડૂત રતિલાલભાઈ ગિસિયાભાઈ ડુભીલના દાદાએ વર્ષો પહેલા રોડ બનાવવા માટે જગ્યા આપી હતી. પરંતુ જમીન સંપાદન થયા બાદ પણ સરકાર તરફથી વળતર આપવામાં આવ્યું નથી.
અધિકારીઓના ધક્કા ખાધા છતાં ન્યાય ન મળ્યો
ખેડૂત પરિવારની બીજી પેઢી છેલ્લા 20 વર્ષથી સરકારી કચેરીઓમાં ન્યાય માટે ફરી રહી છે. એક માસ પહેલા પંચાયત માર્ગ મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે જો વળતર નહીં મળે તો રસ્તો બંધ કરવામાં આવશે. તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેતા અંતે ખેડૂતે પથ્થરો અને વીજપોલ મૂકી મુખ્ય માર્ગ બંધ કરી દીધો.
50 ગામોના રહીશો અને શિક્ષકો મુશ્કેલીમાં
આ રસ્તો 50 ગામોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી હજારો લોકો પર અસર પડી છે. સવારની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને 30 કિલોમીટરનો લંબાણો ફેરો મારવો પડી રહ્યો છે. રસ્તો બંધ થતાં સ્થાનિક લોકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
વહીવટી તંત્રની નિંદ્રા – આદિવાસી સમાજમાં ઉગ્ર અસંતોષ
છોટાઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે આદિવાસી સમાજને સતત આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનવું પડે છે. 20 વર્ષથી વળતર નહીં મળતા હવે ખેડૂતોએ નિર્ણાયક પગલું ભર્યું છે. જો તંત્ર વળતર ચુકવી નહીં શકે તો આ સમસ્યા વધુ ઉગ્ર બનવાની સંભાવના છે.તંત્ર શું કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે.