કહેવાતા વિકસિત ગુજરાતમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં છોટાઉદેપુરમાં એક ગામનો રસ્તો તુટી ગયો છે જેને કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના રાજપુરા ગામથી ગઢબોરિયાદ ગામ જવાના રસ્તા ઉપર એક લો લેવલનો કોઝ વે ત્રણ વર્ષથી તૂટી ગયો છે. જેને પગલે ગ્રામજનોએ આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
દર ચોમાસામાં આ ગામ સંપર્ક વિહોણું બને છે અને ગામમાંથી લોકો બહાર આવી શકતા નથી, શિક્ષકો શાળાએ પહોંચી શકતા નથી, 700 લોકો દરવર્ષે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જ્યારે સરકાર ત્રણ વર્ષથી તૂટેલા કોઝ વેને ચોમાસું પતિ જાય પછી ગ્રેવલ નાખીને પંચાયત માર્ગ મકાન વિભાગ રસ્તો શરૂ કરી દે છે.
ચોમાસું આવતાની સાથે જ પહેલા જ વરસાદમાં ગ્રેવલ ધોવાઈ જાય છે અને અવરજવરનો રસ્તો બંધ થઈ જાય છે. અને ચોમાસાના ચાર મહિના 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં જતી નથી. લોકો પુલ બનાવવામાં માટે રજૂઆત કરે છે પરંતુ તંત્રના અધિકારીઓ ચાર વર્ષથી લોકોને ઠાલા વચનો આપી રહ્યા છે.