
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આશરે 2500 આદિવાસી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2024-25 માટે મળતી અંદાજે રૂ. 41 લાખની શિષ્યવૃતિ સહાયથી વંચિત થવાની ભીતિ સર્જાઈ છે. કારણ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ટેક્નિકલ ખામીઓ અને ફરજિયાત દસ્તાવેજોની અસમંજસભરી વ્યવસ્થા સર્જાઈ છે. રાજ્ય સરકારે સપ્ટેમ્બર 2024માં સ્પષ્ટ જાહેરાત કરી હતી કે શિષ્યવૃતિ માટેના આવેદનમાં આધાર કાર્ડ અને રેશનકાર્ડ ફરજિયાત ન રહે. છતાં, હાલની તારીખે ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ પોર્ટલ પર જ્યારે દરખાસ્ત ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારે આ બંને દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવી ફરજિયાત છે.
અરજી આગળ ન વધી
ઘણા કેસોમાં જે વિદ્યાર્થીઓ પાસે રેશનકાર્ડ ઉપલબ્ધ નથી અથવા લેટેસ્ટ આધારકાર્ડ અપડેટ નથી, તેમના માટે શિષ્યવૃતિ માટે અરજી કરવી મુશ્કેલ બની ગઈ છે. પરિણામે, શિક્ષકો દરખાસ્ત ફાઇનલ કરવાની સ્થિતિમાં નથી.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જશુભાઈ તડવીએ માહિતી આપતાં જણાવ્યું કે, “અમે વિવિધ શાળાઓના મુખ્યશિક્ષકો અને કક્ષા શિક્ષકો પાસેથી આ મુશ્કેલી અંગે રજૂઆતો મેળવી છે. શિક્ષકો દરખાસ્ત તૈયાર કરવા તૈયાર છે, પરંતુ પોર્ટલ પર ટેક્નિકલ રૂપે દસ્તાવેજ ફરજિયાત હોવાને કારણે વિદ્યાર્થીઓની અરજી આગળ નહીં વધી શકે તેવો સંજોગ ઊભો થયો છે. અમે આ મુદ્દો જિલ્લા અને રાજ્ય સ્તરે ઉઠાવ્યો છે અને વહેલી તકે સમાધાન થવાની આશા છે.”
ટેક્નિકલ ખામીનો વિદ્યાર્થી બની શકે છે ભોગ
શિક્ષણ વિભાગના નિયમો અને ટેક્નિકલ વ્યવસ્થા વચ્ચેના અસમતુલનનો સીધો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. જો યોગ્ય સમયે આ ખામી દૂર નહીં થાય તો આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓની નાણાકીય સહાય અટકી શકે છે, જે શૈક્ષણિક રીતે અત્યંત હાનિકારક સાબિત થશે.આ મુદ્દો શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારના ઉચિત ધ્યાને લઈ શિષ્યવૃતિ પોર્ટલમાં જરૂરી સુધારા કરીને વિદ્યાર્થીઓને સહાય પહોંચે તે માટે તાકીદે પગલાં લેવાં જરૂરી છે.