
દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં 100 કરોડ કરતાં ય વધુનો ભ્રષ્ટાચાર કરનારાં મંત્રીપુત્ર કિરણ પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. બન્ને પુત્રોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતાં કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડ પણ સંપર્ક વિહોણા થયા છે. કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતાં હવે બચુ ખાબડનું મંત્રીપદેથી રાજીનામુ લેવાશે કે નહીં તે અંગે રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે.
મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્રોની કરતૂતને કારણે ભાજપનું નામ ખરાબ થયું
મનરેગા કૌભાંડની પોલીસ ફરિયાદ નોધાતાં મંત્રીપુત્ર બળવંત ખાબડની ધરપકડ થઇ ચૂકી છે. બીજા પુત્ર કિરણ પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. બન્ને પુત્રો પકડાતાં મંત્રી બચુ ખાબડ પણ ભૂગર્ભમાં ઉતરી પડ્યાં છે. સૂત્રોનું કહેવુ છે કે, સચિવાલયમાં મંત્રી કાર્યાલયમાં જ બચુ ખાબડ ડોકાતાં નથી. પુત્રોના કારસ્તાનને પગલે મંત્રીએ સરકારી કાર્યક્રમમાં ય જવાનું બંધ કર્યું છે. આ જ મહિનાના અંતમાં વડાપ્રધાન મોદી દાહોદની મુલાકાત લે તેવી શક્યતા છે જેથી પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સમગ્ર કાર્યક્રમમાં ય બચુ ખાબડની બાદબાકી કરાઇ હોવાનું ય જાણવા મળ્યુ છે.
PM મોદીના પ્રવાસ પહેલા બચુ ખાબડનું રાજીનામુ લેવાઇ શકે
સૂત્રો અનુસાર એવી પણ અટકળો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ પ્રવાસ પહેલા મંત્રી બચુ ખાબડનું રાજીનામુ લેવાઇ શકે છે. હવે જોવાનું રહ્યું કે બચુ ખાબડનું સરકાર રાજીનામું લઇ લેશે કે પછી તેમને છાવરશે તેના પર સૌની નજર મંડાઇ છે.
કૌભાંડીઓએ સરકારને કરોડોનો ચૂનો ચોપડ્યો
મનરેગા કૌભાંડમાં ફક્ત ત્રણ ગામોમાં 71 કરોડની ગેરરીતિ સામે આવી છે. બન્ને મંત્રીપુત્રોએ 29.45 કરોડના કામો માત્ર કાગળ પર જ કર્યા હતા. બળવંત ખાબડે રાજશ્રી કન્સ્ટ્રક્શન કુ.પીપરો મારફતે કરેલા 9 કરોડના કામોમાં 82 લાખના કામોમાં કૌભાંડ આચર્યું છે. જ્યારે કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સ કંપનીએ 2021થી 2024 દરમિયાન 30 કરોડ ઉપરાંતના કામોમાં ગોટાળા કર્યા હતા. એન.જે.કન્ટ્રક્શનના માલિક પાર્થ બારિયાએ સરકારને 5.2 કરોડનો ચૂનો ચોપડ્યો હતો.
કોંગ્રેસનો સવાલ: કરોડોનો ભ્રષ્ટાચાર કરનારાં મંત્રીના ઘરે ED-IT-GST ક્યારે દરોડા પાડશે
દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં 100 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ત્યારે મંત્રીના નિવાસસ્થાને ED-IT ક્યારે દરોડા પાડશે? તેવો વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યો છે. તેમણે માંગ કરી છે કે, સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ થાય તે માટે પ્રમાણિક અધિકારીના વડપણ હેઠળ SITની રચના કરવામાં આવે. આ ઉપરાંત તટસ્થ તપાસ થાય ત્યાં સુધી બચુ ખાબડને મંત્રીપદેથી દૂર કરવામાં આવે. એટલુ જ નહીં દાહોદ જીલ્લામાં છેલ્લા 10 વર્ષમાં થયેલાં મનરેગાના કામોની તપાસ પણ કરાવવામાં આવે. સરકારને એવા સવાલો કરાયાં છે કે, સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાડનાર કૌભાંડીઓનો વરઘોડો કાઢશો કો નહીં, મુખ્યમંત્રી મંત્રીમંડળમાં ઓપરેશન ગંગાજળ ક્યારે કરશે?