આજરોજ ડાંગ દરબાર 2025 રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેમાં આજે પ્રથમ દિવસે ડાંગ ના પાંચ ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેંશન આપવામાં આવ્યું હતું. પરંતુ જાહેર મંચ ઉપરથી વાસુરણાના રાજાએ તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવતા લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
આજે ડાંગમાં ડાંગ દરબાર - 2025 રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. સામાન્ય રીતે રાજ્યપાલને હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે જોકે હવે આ મેળાનું ઉદ્ઘાટન સ્થાનિક અધિકારીઓ અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે. આહવા કલેકટર કચેરી ખાતે વહીવટી તંત્ર દ્વારા પાંચ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી રાજા ઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી. રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેકટર કચેરી ખાતેથી નીકળી જેમાં ડાંગ તેમજ અન્ય પ્રાંતના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય સાથેની ઝાંખી સાથે સામીયાણા સુધી પહોંચી હતી.
આ યાત્રા આહવા નગરના મુખ્ય માર્ગ પર ફરી રંગઉપવને પહોચી હતી જેમાં સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ, સાંસદ ધવલ પટેલ અને મંત્ર કુંવરજી હળપતિ પણ મન મુકીને નાચ્યાં હતા, કાર્યક્રમમાં વાસુરણા ના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા મહેમાનો નું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી ચાર દિવસ સુધી ચાલનારા આ મેળામાં આજે પરમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય કાર્યક્રમ મુજબ સરકારે નિશ્ચિત કરેલ રાજકીય સાલીયાણા પેટેની રકમ અને પાનસોપારી તેમજ મોમેન્ટો આપીને આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ તેમજ વલસાડ સાંસદ ધવલ પટેલે પાંચ રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું હતું.
પરંતુ વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ મંચ ઉપરથી પોતાની માંગને લઈને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈને લોકોમાં ભારે આશ્ચર્ય પણ જોવા મળ્યું હતું. જોકે વલસાડના સાંસદે જણાવ્યું હતું કે રાજાની જે કોઈ પણ નારાજગી છે તે સાથે મળીને દૂર કરવામાં આવશે.