
ડાંગના રાજાએ સરકારને આંદોલનની ચીમકી આપી છે. 20 એપ્રિલ બાદ તબક્કાવાર આંદોલન કરવામાં આવશે. આજથી ચાર દિવસ માટે શરૂ થેયલ ડાંગ દરબાર મેળામાં રાજાના સન્માન બાદ રાજાએ ચીમકી આપી છે. રાજા ધનરાજસિંહે દરબારને સંબોધિત કરતા કહ્યું હતું કે, બ્રિટિશરોના તાબે ન થનારા ડાંગના ભીલરાજાઓના વંશજો સરકારથી નારાજ છે. ડાંગના જંગલો ઉપર ભીલ રાજા અને તેની પ્રજાનો અધિકાર રહ્યો છે.
સને ૧૮૨૦ એટલે કે આજથી 205 વર્ષ પહેલા ગાયકવાડ સરકારમાં નક્કી થયેલ રકમ મુજબ રાજાઓને આપવામાં આવતું સાલીયાણું આજે એક કરોડથી વધુ થાય છે. બ્રિટિશ સરકારના ગેઝેટ 10 નવેમ્બર 1843થી આઝાદી સુધી ચાલુ હતો અને વખતોવખત તેને વધારવામાં આવતો હતો. બ્રિટિશરો ગયા બાદ પણ રાજાઓ સત્તા ભોગવતા હતા.
નવેમ્બર 1954માં મુંબઈ સરકારે રાજાઓની પ્રત્યક્ષ કે પરોક્ષ સંમતિ વિના ડાંગને સરકારમાં સામેલ કર્યું તે માનવ અધિકાર ઉલ્લંઘન હતું. ડાંગના દસ્તાવેજો જરૂર પડે તો દુનિયા સામે મુકીશું. અમારા પૂર્વજોએ આપેલા બલિદાન અને હક માટે એકવાર બ્રિટિશ સરકારને માનવ અધિકાર પાસે લઈ જવું પડે તો ખચકાશું નહિ. અમારા હકો માટે અનેક વખત સરકાર સમક્ષ કરી પણ આજદિન સુધી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. કાયદાની મર્યાદામાં રહી એપ્રિલ 20 પછી તબક્કાવાર આંદોલન કરવામાં આવશે.