
સમગ્ર દેશભરમાં ઠેર ઠેર સાયબર ફ્રોડના ગુનાઓ વધી રહ્યા છે એવામાં ડાંગ જિલ્લામાંથી પણ ફરી એક વખત સાયબર ફ્રોડના મામલા સામે આવ્યા છે. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી જીજ્ઞેશ ત્રિવેદી સહિત કોલેજનો વિદ્યાર્થી સાયબર ફ્રોડનો શિકાર બન્યા હતા.
બાળકોને શિક્ષણ આપતા ગુરુ પણ ભેજાબાજોની જાળમાં ભેરવાયા અને રૂપિયા 89,001 જેટલી રકમ તેમણે ગુમાવી હતી. તેઓ શિક્ષણ અધિકારી દિલ્હી ખાતે કામ માટે જવાના હતા. જેથી IRCTCની વેબ સાઇટ ઉપરથી કોન્ટેકટ નંબર લઈ બુકીંગ કરાવવા જઈ રહ્યા હતા તેમાં તેઓ છેતરાયા હતા.
આ સાથે વલસાડ કોલેજમાં ટીવાયબીએમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પણ સાઇબર ફ્રોડનો શિકાર બન્યો હતો જેને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોલેજના વિદ્યાર્થીને મોબાઈલ ઉપર ન્યૂડ વીડિયો જુઓ છો તેમ કહી પોલીસના નામે 10,000 / 5000 અને 444 એમ કરીને કુલ 15,444 રૂપિયા આ ફ્રોડ શખ્સે પડાવ્યા હતા. છેતરપીંડીના બંને કિસ્સામાં ભોગ બનનાર શિક્ષણ અધિકારી અને વિદ્યાર્થીએ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી છે.