
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 જુલાઈ સુધી રાજ્યના 13થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. તેવામાં 28 જૂન સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 2.40 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના લખપતમાં માત્ર બે કલાકમાં 1.81 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે શનિવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સેટેલાઇટ, પ્રહ્લાદનગર, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, વાડજ, વસ્ત્રાપુર, બોડકદેવ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે.
દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવાઈ
સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે આજે દેવભૂમિ દ્વારકામાં 2.40 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે દ્વારકાના દરિયામાં 20 ફૂટ ઊંચા મોજાં ઊછળ્યા અને ભારે કરંટ જોવા મળ્યો છે. જ્યારે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવવામાં આવી છે.
164 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં 28 જૂન છેલ્લા 10 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ત્યારે પોરબંદરમાં 1.85 ઇંચ, ભરુચમાં 1.77 ઇંચ, વડોદરાના કરજણ 1.57 ઇંચ, વલસાડમાં 1.38 ઇંચ, દેવભૂમિ દ્વારકા કલ્યાણપુરમાં 1.34 ઇંચ, વડોદરાના વઘોડિયામાં 1.22 ઇંચ અને ડભોઈમાં 1.18 ઇંચ, ભરુચના હાંસોટમાં 1.06 ઇંચ, વલસાડના ઉમરગામમાં 1.02 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના અન્ય 151 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે.