
Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના શક્તિનગર વિસ્તારમાંથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ચોરીના આરોપીઓ કોઈ દૂરના નહીં પરંતુ જે ઘરમાં ચોરી થઈ તેનાં નજીકમાં રહેતા પાડોશી જ નીકળ્યા છે. મંજુબેન રાઠોડના ઘરમાં ચોરી માટે પડોશમાં રહેતા પાંચ લોકોની ટોળકીએ એક ફિલ્મી ઢંગનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
ચોરી દરમિયાન બે મહિલાઓએ મંજુબેનને મંદિર દર્શનના બહાને ઘરની બહાર લઇ ગયા અને એ જ સમયગાળામાં બાકી ત્રણ લોકો ઘરમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોર ટોળકી મંજુબેનના ઘરમાંથી સોનાની કંઠી, ચેન, બુટિયા, મંગલસૂતર, પેન્ડલ તથા રોકડ મળી કુલ રૂ. 6,24,000 જેટલો મુદામાલ લઈ ફરાર થઈ ગયા હતા.
ખંભાળિયા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તરતજ FSLની મદદથી તપાસ શરૂ કરી અને ઘટના સ્થળ પરથી આધારે પુરાવા એકત્ર કર્યા બાદ પોલીસે બે મહિલાઓ સહિત કુલ પાંચ લોકોની ચોર ટોળકીની ધરપકડ કરીને ગુનાનો ભાંડો ફુટ્યો હતો.