
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બાઈક રેસર્સ અને સ્ટંટબાજોનો જાણે રાફડો ફાટયો એવું એવું દિવસેને દિવસે સામે આવે છે. સોશિયલ મીડિયામાં લાઈક્સ વધારવા યુવકો બાઈક પર અવનવા સ્ટંટ કરી આસપાસના લોકો અને પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવા સ્ટંટબાજ અને બાઈક રેસ લગાવતા યુવકો સામે પોલીસે લાલ આંખ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાઈક રેસ લગાવતા નબીરાઓને કાયદાનું ભાન કરાવવા પોલીસે સકંજો કસ્યો છે. કારણ કે, થોડાક દિવસોથી હાઈવે પર નબીરાઓ દ્વારા આતંક ફેલાવાયો હતો. જેનો પોલીસની કાર્યવાહીનો લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે. પોલીસ નબીરાઓને પકડવા જતા ફિલ્મ દ્રશ્ય પણ સર્જાયા હતા. પોલીસના હાથે પકડાઈ જવાની બીકે નબીરાએ ફુલ સ્પીડમાં બાઈક હંકારી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. ચોરની જેમ નબીરાએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે SP અને DYSPના માર્ગદર્શન હેઠળ 12 નબીરાઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું.