
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે.
મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.
મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ માટે ‘ગુજરાત પવેલિયન’ 24 કલાક કાર્યરત
મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓને માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-180-5600 જાહેર કરાયો છે.
ગુજરાતમાંથી પણ લાખો ભાવિકો મહાકુંભ 2025માં સહભાગી થવા પ્રયાગરાજ જઈ રહ્યા છે. ત્યારે તેમને તમામ સુવિધાઓ-સેવાઓ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી ‘ગુજરાત પવેલિયન’ બનાવામાં આવ્યું છે. ગુજરાત પવેલિયનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના વારસાને ભારત સહિત વિશ્વભરના લોકોને પરિચય કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમામ પ્રકારની મદદ કરવાનું છે. આ ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-180-5600 જાહેર કરાયો છે. જેમાં મહાકુંભ 2025ને લગતી તમામ માહિતીઓ ઉપરાંત પેવેલિયનની સેવાઓ વિશે જાણકારી મેળવી શકાશે.
ગુજરાત પવેલિયનની મુખ્ય વિશેષતાઓ
- મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને માર્ગદર્શન, સહાય અને મહાકુંભને લગતી તમામ માહિતી 24 કલાક ચાલતા હેલ્પ ડેસ્ક પરથી મળી રહેશે
- શ્રદ્ધાળુઓને કોઈપણ મુશ્કેલીમાં તરત સહાય આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 24 કલાક હેલ્પલાઇન નંબર 1800-180-5600 ઉપલબ્ધ રહેશે
- વિશ્વભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ ગુજરાતના સાંસ્કૃતિક, પ્રાકૃતિક તથા ઐતિહાસિક વારસાથી માહિતગાર થઈ શકે તે હેતુથી ગુજરાતના શ્રેષ્ઠ પર્યટક સ્થળોની ઝાંખી બનાવવામાં આવી છે.
- મહાકુંભમાં આવતા ભક્તો અને પ્રવાસીઓ ગુજરાતના હસ્તકલા વારસાથી માહિતગાર થઈ શકે ઉપરાંત ખરીદી પણ કરી શકાય તે હેતુથી ગુજરાતના વૈવિધ્યસભર હસ્તકલાના 15 જેટલા સ્ટોલ બનાવાયા છે.
- પેવેલિયનમાં ગુજરાતની ગ્રામીણ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા 10 સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં યાત્રિકો નજીવા દરે સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનનો આનંદ લઈ શકશે. આ પગલાંથી ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓને સ્વાવલંબન અને સશક્તિકરણ મળશે.
- શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે.