Home / Gujarat / Gandhinagar : DGP orders to prepare list of anti-social elements in the state within 100 hours

'100 કલાકમાં અસામાજિક ગુંડા તત્ત્વોની યાદી તૈયાર કરો', રાજ્યના પોલીસ વડાએ આપ્યા આદેશ

'100 કલાકમાં અસામાજિક ગુંડા તત્ત્વોની યાદી તૈયાર કરો', રાજ્યના પોલીસ વડાએ આપ્યા આદેશ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્ત્વોનો આતંક વધતો જોવા મળતા રાજ્યના પોલીસ વડા એક્શનમાં આવ્યા છે. રાજ્યમાંથી 100 કલાકમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા માટે DGPએ આદેશ આપ્યો છે.પોલીસ કમિશનરો, રેન્જ વડા અને જિલ્લા પોલીસ અધીક્ષક સાથે ઓનલાઇન બેઠકમાં આ આદેશ આપવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

100 કલાકમાં અસામાજીક તત્ત્વોની યાદી તૈયાર કરવા આદેશ

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સુચના આપવામાં આવી છે.

રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજીક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે. 

રાજ્યના પોલીસ વડાનો આદેશ

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે. જેમાં આ તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કરેલુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવી, આવા તત્વોના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છુટયા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધીક્ષકને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

 

 

Related News

Icon